PM મોદીએ વનતારાનું લોકાર્પણ કર્યું: સિંહ, વાઘ, જિરાફ વચ્ચે પસાર કર્યો સમય, હાથીઓની હૉસ્પિટલની પણ મુલાકાત લીધી
PM Modi inaugurates wildlife center at Vantara : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે જામનગરના વનતારામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. વનતારામાં દોઢ લાખથી વધુ પશુ-પક્ષીઓને બચાવીને તેનો કુદરતી વાતાવરણમાં ઉછેર કરાઈ રહ્યો છે. અહીં વડાપ્રધાન મોદીએ જુદી જુદી પ્રજાતિના પશુ-ક્ષીઓને ખૂબ નજીકથી નિહાળ્યા હતા. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ એશિયાટિક સિંહબાળ, સફેદ સિંહબાળ, દુર્લભ દીપડાના બચ્ચાંને રમાડીને તેમને ભોજન પણ કરાવ્યું હતું. આ દરમિયાન તેમણે વાઇલ્ડલાઇફ હૉસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ હૉસ્પિટલમાં પ્રાણીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે વાઇલ્ડલાઇફ કાર્ડિયોલૉજી, નેફ્રોલૉજી, એન્ડોસ્કોપી સહિતના વિભાગો બનાવાયા છે, જ્યાં MRI, CT સ્કેન, ICU સહિતની તમામ અત્યાધુનિક સુવિધા છે.
વનતારા હૉસ્પિટલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ MRIમાંથી પસાર થઈ રહેલા એશિયાટિક સિંહને નિહાળ્યો હતો. આ ઉપરાંત પ્રાણીઓને કઈ રીતે સારવાર અપાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં દીપડાને સારવાર અપાઈ રહી હતી. આ દીપડો હાઇવે પર કાર સાથે ટક્કર બાદ ઈજાગ્રસ્ત થયો હતો, જેથી તેને રેસ્ક્યુ કરી વનતારામાં લવાયો હતો. વનતારામાં રેસ્ક્યુ કરીને લવાયેલા એશિયાટિક સિંહ, એકશિંગી ગેંડા સહિતના પ્રાણીઓને વનતારામાં અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણ અપાય છે. અહીં વડાપ્રધાન મોદીએ ગોલ્ડન ટાઇગર, સફેદ સિંહ, દીપડાને ખૂબ નજીકથી નિહાળ્યા હતા. અહીં સર્કસમાંથી રેસ્ક્યુ કરાયેલા ચાર સ્નો ટાઇગર પણ તેમણે નિહાળ્યા હતા.
અહીં વડાપ્રધાન મોદીએ હેણોતરો પણ જોયો હતો, જે હાલ ભારતમાં ખૂબ જ ઓછું જોવા મળે છે. આ પ્રાણી ગુજરાતમાં ગશ અને શિયાગશ નામે જાણીતું છે. વનતારામાં હેણોતરોની સંખ્યા વધારવા માટે તેમને ખાસ બ્રીડિંગ પ્રોગ્રામ હેઠળ રખાય છે અને બાદમાં જંગલમાં છોડી મૂકાય છે.
આ અનોખી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ઓકાપી(આફ્રિકન પ્રાણી)ને થપથપાવી વ્હાલ કર્યું હતું. ચિમ્પાન્ઝી નિહાળ્યા તથા ઉરાંગઉટાંગને ગળે લગાવ્યા હતા. તેમણે ખૂબ નજીકથી પાણીની અંદર તરતાં હિપ્પોપોટેમસ અને મગર નિહાળ્યા હતા. જિરાફ, ઝિબ્રાના ઝૂંડ વચ્ચેથી પસાર થયા હતા અને ગેંડાના બચ્ચાને પણ ભોજન ખવડાવ્યું હતું. આ ગેંડાનું બચ્ચું તેની માતાના નિધન બાદ અનાથ થઈ ગયું હતું.
અહીં વડાપ્રધાન મોદીએ મોટો અજગર, બે માથાવાળો સાપ, બે માથાવાળો કાચબો પણ જોયો હતો, જેમને ખેતરોમાંથી રેસ્ક્યૂ કરાયા હતા. આ ઉપરાંત તેમણે અહીં રેસ્ક્યૂ કરાયેલી જળબિલાડી, સીલ અને કાળિયાર પણ નિહાળ્યા હતા, તો ખાસ જકૂઝીમાં સ્નાન લઈ રહેલા હાથીઓ પણ જોયા.
વડાપ્રધાન મોદીએ વનતારામાં આવેલી દુનિયાની સૌથી મોટી હાથીઓની હૉસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર વાઇલ્ડલાઇફ સેન્ટરમાં કામ કરતાં તબીબો, સપોર્ટિંગ સ્ટાફ તથા વર્કર્સ સાથે PM મોદીએ સંવાદ કર્યો હતો તથા રેસ્ક્યૂ કરીને લવાયેલા પોપટોને પણ ખુલ્લા વાતાવરણમાં મુક્ત કર્યા હતા.