1996થી કોઈ મુખ્યમંત્રી નથી જે અંબાજી હૅલિકોપ્ટરથી પહોંચ્યા હોય, PM મોદી 30 ઓક્ટોબરે યાત્રાધામની મુલાકાતે

PM મોદીની અંબાજી મુલાકાત માટે ચીખલામાં ચાર હેલીપેડ બનાવાયા

30મી ઓક્ટોબરે આવી રહેલા વડાપ્રધાન માતાજીના દર્શન કરવા જશે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
1996થી કોઈ મુખ્યમંત્રી નથી જે અંબાજી હૅલિકોપ્ટરથી પહોંચ્યા હોય, PM મોદી 30 ઓક્ટોબરે યાત્રાધામની મુલાકાતે 1 - image

ગાંધીનગર, તા.27 ઓક્ટોબર-2023, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની અંબાજી (Ambaji)ની મુલાકાત માટે યાત્રાધામની નજીક ચીખલામાં ચાર હેલીપેડ બનાવવામાં આવ્યા છે. તેઓ ૩૦મી ઓક્ટોબરે બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે મહેસાણા (Mehsana)ના કાર્યક્રમ દરમ્યાન તેઓ અંબાજીમાં માતાજીના દર્શન કરવા જવાના હોવાના અહેવાલ છે.

રાજ્યના માર્ગ મકાન વિભાગે અંબાજી પાસેના ચીખલામાં ચાર હેલીપેડ બનાવવાનું શરૂ કર્યું છે તે જોતાં વડાપ્રધાન આ જગ્યાએ ઉતરશે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અંબાજી માતાના દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે તેઓ અંબાજીથી ૩૫ કિલોમીટર દૂર વડગામ તાલુકાના હાંતાવાડા ગામે હેલિકોપ્ટરમાં ઉતર્યા હતા અને ત્યાંથી મોટરમાર્ગે અંબાજી પહોંચ્યા હતા. 

કહેવાય છે કે અગાઉ જે મહાનુભાવો આવતા હતા તેઓ ચીખલા આસપાસ ઉતરતા હતા. આ ગામ અંબાજીથી આશરે સાડા ત્રણ કિલોમીટર દૂર છે. એટલે કે મોટર માર્ગે અહીંથી અંબાજી જવું હોય તો પાંચ મિનિટ પહેલાં પહોંચી શકાય છે. વડાપ્રધાન આ જગ્યાએ હેલિકોપ્ટરમાંથી ઉતરી મોટરમાર્ગે અંબાજી જશે.

છ પૂર્વ મંત્રીઓએ સત્તા ગુમાવી છે...

યાત્રાધામ અંબાજી મંદિરને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ જગ્યાનો યોગાનુયોગ એવો છે કે ભૂતકાળમાં જે નેતાઓ અંબાજીમાં હેલિકોપ્ટરથી લેન્ડ થયાં છે તેમણે સત્તા ગુમાવી છે. સ્થાનિક આગેવાનો ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, ચીમન પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખનો દાખલો આપી રહ્યાં છે. કહેવાય છે કે અંબાજી મંદિર પરથી જે નેતાઓએ ઉડાન ભરી છે તેમની ખુરશી બચી નથી તેથી ૧૯૯૬ પછી જે શાસકો આવ્યા છે તેમણે દાંતા નજીક બનાવેલા હેલીપેડનો ઉપયોગ કર્યો છે.

મોદી આ યોગાનુયોગને સમજી ગયા છે...

નરેન્દ્ર મોદી આ યોગાનુયોગથી પરિચિત છે તેથી તેઓ પણ જ્યારે અંબાજી માતાના દર્શને જાય છે ત્યારે નજીકના કોઇ સ્થળે હેલીપેડ પર ઉતરાણ કરે છે અને ત્યાંથી તેઓ મોટરમાર્ગે અંબાજીમાં પગ મૂકે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં તેઓ પ્રથવાર અમદાવાદના રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ સુધી સી-પ્લેનમાં ગયા હતા અને ત્યાંથી મોટરમાર્ગે અંબાજી ગયા હતા.


Google NewsGoogle News