સુરતમાં ભાજપના શહેર પ્રમુખે કાર્યકરોને સેટ કરવા પાલિકાના ફાળવેલા પ્લોટ સ્થાનિકો માટે બન્યા આફત
Surat : સુરત શહેર ભાજપના હાલના પ્રમુખ અને તત્કાલિન સ્થાયી સમિતિ અધ્યક્ષે પાલિકાના પ્લોટ ભાડે આપી આવક ઉભી કરવાના નામે ભાજપના કાર્યકરોને સેટ કરવા પ્લોટની ફાળવણી શરૂ કરી હતી. પરંતુ હવે આ ધીકતો ધંધો બની ગયો છે અને પાલિકાએ ફાળવેલા પ્લોટમાં જ અનેક નિયમોનું ઉલંઘન થઈ રહ્યું છે. તેથી પાલિકાના ફાળવેલા પ્લોટથી ત્રાહિમામ થઈ ગયેલા મોટા વરાછાના રહીશોએ પ્લોટ ફાળવણી કેન્સલ કરવા માટે રજૂઆત કરી છે.
હાલના શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા ત્યારે પ્લોટ ફાળવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોને સેટ કરવા માટેના પ્લોટ હવે સ્થાનિકોને અપસેટ કરી રહ્યાં છે. પાલિકાના વિવિધ હેતુ અનામત ખુલ્લા પ્લોટો ફુડસ્ટોલ તરીકે ચોક્કસ સમય મર્યાદા માટે નિર્ધારિત પ્રતિ ચો.મી. દીઠ ભાડુ વસુલી ફાળવવાનું શરુ કરાયું હતું. જોકે, આ સિસ્ટમને હવે ભાજપના કાર્યકરો, તેમના સંબંધીઓ તથા કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રીતસરનો ગોરખ ધંધો બનાવી દીધો છે જેના કારણે હવે પ્લોટ ફાળવ્યા છે તેની આસપાસના લોકોને રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે.
મોટાવરાછાના યમુના ચોક પાસે ભાડેથી આપવામાં આવેલા પાલિકાના પ્લોટમાં ફ્રુટ માર્કેટ શરૂ કરવામાં આવતા ટ્રાફીકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિકો પાલિકા કચેરી આવ્યા હતા. આ વિસ્તાર ઉપરાંત રહેણાક વિસ્તારની આસપાસ ભાડે આપવામાં આવેલા પાલિકાના પ્લોટનો ખાણીપીણીના સ્ટોલ, પાર્કિંગ, ગેરેજ, પાનના ગલ્લા, કાપડ તથા ભંગારના ગોડાઉન, જવલનશીલ પદાર્થના ગોડાઉનો સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓ માટે ગોડાઉન કાર્યરત થઇ જતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોટાવરાછાના યમુના ચોક પાસે, પાલિકાના શોપિંગ સેન્ટર નજીક આવેલો પ્લોટ પર પતરાનું ડોમ બનાવી ફ્રુટ માર્કેટ શરૂ કરવામાં આવી છે. લોકો રસ્તા પર વાહન પાર્ક કરીને ફ્રુટ ખરીદવા માટે માર્કેટમાં જતા હોય ટ્રાફીકની વિકરાળ સમસ્યા સર્જાય છે. જેને પગલે રહીશો દ્વારા આ મુદે પાલિકાના પદાધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોની ફરીયાદને ધ્યાને લઇ પ્લોટની બાકીની જગ્યા પર ઉભા થતા પતરાના ડેમનું કામ અટકાવવામાં આવ્યું હતું. જોકે, ફ્રુટ માર્કેટને કારણે ટ્રાફિકની સમસ્યાનો કોઈ સુધારો જોવા નહી મળતા આજે સ્થાનિક રહીશોએ પાલિકાના આ પ્લોટ તાકીદે પરત લઈ લેવા માટેની માગણી કરી છે.