મુંબઈ રહેતા વૃધ્ધ દંપત્તિની વાંકાનેરમાં કરોડોની જમીન પચાવી પાડવાનું કારસ્તાન
વૃધ્ધ પ્રસંગમાં વાંકાનેર આવ્યાને મકાન તથા જમીન હડપ થયાની ખબર પડી : હયાત દંપત્તિને કાગળ પર મૃત દર્શાવી ખોટા દસ્તાવેજો બનાવી જમીન હડપ કરી જવાનાં કારસ્તાનમાં 5 શખ્સો સામે ગુનો
મોરબી, : વાંકાનેર પંથકમાં જમીન હડપવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ વાંકાનેરના અને હાલમાં મુંબઈ રહેતા વૃધ્ધ અને તેમના પત્ની હયાત હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાંથી તેમના મરણના બોગસ દાખલા મેળવી ખેતીની કરોડોની જમીન પચાવી પાડવા કાવતરૂ કરાતા કૌભાંડ આચરનાર બે મહિલા સહિત પાંચની સામે વૃધ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલ મુંબઈ રહેતા રજનીકાંત શાંતિલાલ સંઘવી નામના 92 વર્ષીય વૃદ્ધે આરોપીઓ સૂચિત રમેશ જોષી (રહે રાજકોટ), મોનાબેન રજનીકાંત મહેતા વાઈફ ઓફ રાજેશભાઈ મહેતા (રહે અમદાવાદ), કુસુમબેન રજનીકાંત મહેતા વાઈફ ઓફ રમેશકુમાર દતાણી (રહે અમદાવાદ), રમેશ ડાયાભાઇ વડોદરીયા અને જયંતીભાઈ ધીરૂભાઈ સાકરીયા (રહે બંને રાજકોટ ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે. કે તેઓ છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધા અર્થે મુંબઇ ખાતે રહે છે. તેમનું મુળ વતન વાંકાનેર છે. જ્યાં તેમની વડીલો પાર્જીત મિલ્કતમા મકાન શાન્તીસદ' દીવાનપરા વાંકાનેરમાં આવેલ છે. આ ઉપરાંત વાંકાનેરમાં તેમની ખેતીની ૯ સ્થળોએ જમીન છે.
તાજેતરમાં રજનીકાંતભાઇ વાંકાનેર ખાતે લગ્નપ્રસંગમાં આવ્યા હતા. એ સમયે તેમના ધ્યાન પર આવ્યું હતું કે, તેમની જમીનના રેવન્યુ રેકર્ડમા ખોટી રીતે નોંધ કરાવી રેન્યુ રેકર્ડમા ખોટા વ્યવહારો કરવામા આવેલ છે.તેથી તેમણે વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમા તપાસ કરતા જાણવા મળેલ કે, તેમની તમામ સર્વે નંબર વાળી જમીનનો દસ્તાવેજ થઇ ગયો છે. જેમાં જમીન વેચનાર તરીકે મોના રજનીકાંત મહેતા કે જે રાજેશ મહેતાની પત્ની દર્શાવવામાં આવી છે. અને કુસુમ રજનીકાંત મહેતા કે જેને રમેશ દતાણીની પત્ની દર્શાવવામાં આવી છે. તેણે રાજકોટના સુચિત રમેશ જોષીને જમીન વેચી હતી અને સાક્ષી તરીકે રમેશ તથા જયંતીએ સહી કરી હતી.
જે બાદ તેમણે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે તપાસ કરી તેમની ખેતીની જમીનના માલીકીના 7/12 તથા 88અ ના રેવન્યુ રેકર્ડ ચકાસીને તેમાં વારસાઇની નોંધ વાંચતા તેમાં લખ્યું હતું કે, વાંકાનેર તાલુકાના મોજે વાંકાનેર ગામના ખેડુત ખાતેદાર શ્રીમાન રજનીકાંતભાઇ શાન્તીલાલની ખેતીની જમીન તેઓના ખાતે ચાલે છે. જે પૈકી શ્રીમાન રજનીકાંતભાઇ શાન્તીલાલ નું અવસાન થતાં તેમના સીધી લીટીના વારસદારો તરીકે સ્વ.કામીની બેન રજનીકાંત મહેતા પત્ની અવસાન થયેલું છે.' તેવું લખ્યું હતું. એટલું જ નહીં આરોપી મોનાબેન અને કુસુમબેને તેમના ખાતામા ખાતેદાર તરીકે દર્શાવામાં આવ્યા હતા. અર્થાત બંને મહિલાઓ પોતાને રજનીકાંતભાઇ સંઘવીની સીધી વારસદાર તરીકે દર્શાવી વારસાઇ એન્ટ્રી પડાવી હતી. અને તેમની અટકમાં પણ છેડછાડ કરીને સંઘવીના સ્થાને મહેતા કરી નાખી હતી.
જેથી રજનીકાંતભાઈએ રેવન્યુ રેકર્ડની માહીતી મેળવવા માટે મામલતદારને અરજી કરી પ્રમાણીત નકલો મંગાવી તો તેમાં રજનીકાંતભાઈ અને તેના પત્ની કુસુમબેન હયાત હોવા છતાં બંનેના અમદાવાદ મહાનગર પાલિકાના ખોટા મરણ સટફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા એટલું જ નહી દંપતીનું સરનામું અમદાવાદ દર્શાવવામાં આવ્યું હતું અને અને ખોટો આંબો પણ બનાવડાવ્યો હતો. આમ જીવિત વ્યક્તિને મૃત દર્શાવી કરોડોની જમીન હડપ કરી જવાનું કોભાંડ આચરવામાં આવ્યું હોય જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે