બોગસ વસિયતથી શાહપુરમાં કરોડોની જમીન પચાવવાનો કારસો : બે સામે ગુનો
જિલ્લામાં જમીન માફિયાઓનો આતંક યથાવત્
ખેડૂતે કલેકટરની સીટમાં કરેલી ફરિયાદ બાદ તપાસના અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરાયો
ગાંધીનગર જિલ્લામાં જમીનોના ભાવ કરોડોને આબી રહ્યા છે
ત્યારે જમીન માફિયાઓ પણ ખેડૂતોની જમીન પચાવવા માટે મેદાને પડયા છે ત્યારે શાહપુર
ગામમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરનાં
શાહપુર પરાવાસમાં રહેતા ખેડૂત જલુજી પ્રતાપજી ઠાકોર શાહપુર ગામની સીમમાં સર્વે
નંબર ૬૦૮ જુની શરતની વડિલો પાજત જમીનમાં ખેતી કરે છે. જેમના ત્રણ ભાઈઓ પૈકી બે
ભાઈઓનું વર્ષ ૨૦૧૫ અને ૨૦૨૦માં અવસાન થયું હતું. આ જમીનનાં મૂળ માલિક તરીકે હાલમાં
રેવન્યુ રેકોર્ડમાં તેમના પિતા પ્રતાપજી ઠાકોરનું નામ ચાલે છે અને વર્ષ ૨૦૧૮માં
પ્રતાપજીનું અવસાન થયું હતું. જો કે,
આ જમીન બાબતે કૌટુંબિક વિખવાદના કારણે પ્રતાપજીનાં અવસાન પછી વારસાઈ કરાવાઈ ન
હતી. કેમ કે જલુજીના ભાઈ અતુલજીએ બે લગ્ન કર્યા હતાં તેમજ અન્ય જમીનમાં પણ બધાનો
સહિયારો ભાગ છે. અતુલજીનાં દીકરાએ કોર્ટમાં દાવો પણ દાખલ કરેલો છે. એટલે બધા
કૌટુંબિક ભાઈઓ જમીન માટે કોર્ટ રાહે લડી રહ્યા છે.બીજી તરફ ગયા ઓગસ્ટ મહિનામાં પ્રતાપજીને
જાણવા મળ્યું હતું કે, તેમની
જમીન વેચાણ કરવાની પેરવી કરાઈ રહી છે. જેથી તેમણે તપાસ કરતા રેવન્યુ રેકર્ડમાં
વર્ષ ૨૦૨૩માં તેમના મૃત પિતાનાં નામે ફોટા - સહીઓ સાથેની વસિયત અંગેની નોંધ થયેલી
છે. આ વસિયતનામું કરાવનાર તરીકે રાજુભાઈ ભીખાભાઇ પ્રજાપતિ રહે.ટીંબા તા.દશકોઇનું
નામ હતું અને સાક્ષી તરીકે ચંદ્રકાન્ત અંબાલાલ શાહ તથા ચેતન શકરાભાઈ પ્રજાપતિની
સહીઓ હતી. વાસ્તવમાં વર્ષ ૨૦૧૭માં પ્રતાપજી બીમાર હોવાથી ઘરની બહાર પણ એકલા નીકળી
શકે એમ ન હતા. જેથી જલુજીને ખોટું વસિયતનામું થયાનો ખ્યાલ આવી ગયો હતો. જે મામલે
તેમણે કલેક્ટરની સીટમાં ફરીયાદ કરી હતી. જેના પગલે હાલ ડભોડા પોલીસ રાજુ પ્રજાપતિ
અને ચેતન પ્રજાપતિ સામે ગુનો દાખલ કર્યો હતો.