જિલ્લામાં 1 લાખ 41 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર
- દર વર્ષે સવા લાખ હેક્ટરની એવરેજ સામે ચાલુ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો
- ડુંગળીની સૌથી વધુ 40 હજાર હેક્ટરમાં વાવણી, ઘાસચારાનું 34 હજાર, ઘઉંનું 33 હજાર, ચણાનું 21 હજાર હેક્ટરમાં વાવેતર
સાધનોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ પૂર્ણ થતા ખરીફ પાકની સિઝન પૂર્ણ થાય છે અને ઓક્ટોબર માસના અંતમાં અથવા નવેમ્બર ખેડૂતો રવિ પાકની વાવણીનો પ્રારંભ કરે છે. ચાલુ વર્ષે નવેમ્બર માસથી જિલ્લામાં ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કર્યો હતો. વિવિધ રવિ પાકોની વાવણીનું આ કાર્ય ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. શિયાળાની ઋતુમાં જિલ્લામાં જમીનની તાસીર અનુસાર વિવિધ પાક લેવામાં આવે છે જેમાં ઘઉં, ચણા, ડુંગળી, ઘાસચારો, શાકભાજી અને અજમો મુખ્યત્વે ગણી શકાય.
ઘઉં ગુજરાતનો મુખ્ય શિયાળુ પાક છે. હરિયાળી ક્રાંતિમાં ઘઉં ઉત્પાદ્દનનો મોટો ફાળો છે. ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે ૩૩,૮૧૫ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. એ જ રીતે ડુંગળી પણ અગત્યનો શિયાળુ પાક છે. ડુંગળીના ઉત્પાદ્દનમાં ભાવનગર જિલ્લાનું સ્થાન માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં વિશિષ્ટ છે. જિલ્લામાં ચાલુ વર્ષે ડુંગળીનું ૪૦,૮૧૮ હેક્ટરમાં વાવેતર થયું છે. ભારતમાં જે કોઈ કઠોળ પાકો વાવવામાં આવે છે તેમાં ચણાનું સ્થાન પ્રથમ છે. કારણ કે, તેનો વાવેતર વિસ્તાર બીજા બધા જ કઠોળ પાકોના વિસ્તાર કરતા વધારે છે. ગુજરાતમાં ચણાનું વાવેતર રવિ ઋતુમાં થાય છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૨૧,૦૬૬ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે.
સાધનોના જણાવ્યા મુજબ જિલ્લામાં ઘાસચારાનું પણ મોટાપાયે વાવેતર થાય છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૩૪,૯૯૨ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. જિલ્લામાં શાકભાજીનું ૪,૯૮૬ હેક્ટરમાં અને અજમાનું ૨,૭૪૧ હેક્ટરમાં વાવેતર થયું છે.
જિલ્લામાં વીતેલા વર્ષોમાં રવિ પાકનું સવા લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થતું રહ્યું છે. જ્યારે ચાલુ વર્ષે શિયાળુ પાકના વાવેતરમાં વધારો નોંધાયો છે અને ૧,૪૧,૬૯૩ હેક્ટરમાં વાવેતર થયું છે.