જેતપુરમાં સાસરિયા વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ
- થાનમાં પિયરીયામાં રહેતી યુવતીને
- પોલીસ દ્વારા પતિ, સાસુ-સસરા અને જેઠ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
સુરેન્દ્રનગર : થાન ખાતે પિયરપક્ષમાં રહેતી પરણિતાને જેતપુરમાં સાસરિયા પક્ષ દ્વારા વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે પતિ, સાસુ-સસરા અને જેઠ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ થાન ખાતે પિયરમાં રહેતી અને જેતપુર ખાતે લગ્ન થયેલ ફરિયાદી પરણિતા જબીરકોર દયાસીંગ પટવાના લગ્ન ગત મે ૨૦૨૪માં જેતપુર મુકામે રહેતા ગોવિંદસીંગ બિરૂસીંગ ટાક સાથે થયા હતા લગ્ન બાદ થોડો સમય ફરિયાદીને પતિ તેમજ સાસુ-સસરા અને જેઠ-જેઠાણી સારી રીતે રાખતા હતા. પરંતુ લગ્નના ત્રણ મહિના બાદ સાસુ-સસરા તેમજ જેઠ પતિને ચડાવતા હોવાથી પતિ નાની-નાની વાતોમાં ફરિયાદીને ઢીકા-પાટુનો માર મારતો હતો અને પતિને એક યુવતિ સાથે પ્રેમસંબધ હોવાની પણ જાણ ફરિયાદીને થતાં આ અંગે સાસુ-સસરા તેમજ પતિને જણાવતા પતિએ પ્રેમસબંધ ધરાવતી યુવતી સાથે લગ્ન કરી લેશે તેમ જણાવ્યું હતું અને ફરિયાદીને મનફાવે તેમ ગાળો આપી ફરિયાદીને પીયરપક્ષમાં મોકલી દીધી હતી આથી ભોગ બનનાર ફરિયાદીએ (૧) ગોવિંદસીંગ બિરૂસીંગ ટાક (પતિ) (૨) બિરૂસીંગ માયાસીંગ ટાક (સસરા) (૩) ઈમરતકૌર બિરૂસીંગ ટાક (સાસુ) અને (૪) બલુસીંગ બિરૂસીંગ ટાક (જેઠ) તમામ રહે.જેતપુરવાળા સામે અવાર-નવાર મારપીટ, મહેણા-ટોણાં તેમજ શારીરિક અને માનસીક ત્રાસ અંગે થાન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.