મઠિયાંને બદલે પિઝા, ઘૂઘરાનાં સ્થાને ડીઝર્ટઃ રસોઈ કમ, ફૂડ ઓર્ડર જ્યાદા!
તહેવાર પર ઘેર નીતનવી વાનગીઓ બનાવવાનાં ચલણમાં ઓટ : નોકરી-કામધંધાની વ્યસ્તતા અને સમયનો અભાવ મુખ્ય કારણ, યુવતીઓમાં પણ રસોઈકળાની અલ્પ જાણકારી
જૂનાગઢ, : દીપાવલિના પાવન પર્વની ઉજવણીનો ઉમંગભેર પ્રારંભ થયો છે. અઠવાડીયા સુધી આનંદ- ઉલ્લાસના માહોલમાં સગા-સંબધી, સ્નેહી મિત્રો અને પરિચિતોને મળવાનો અવસર ઉભો થાય છે. ઘરે આવતા આંગતુકોના આતિથ્ય માટે વિવિધ પ્રકારના ફરસાણ અને મીઠાઈની વાનગી આપી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે. જોકે, હવે બદલતા યુગમાં લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. હવે મોટાભાગના પરિવારો ઘરે વાનગીઓ બનાવવાને બદલે ઇન્સ્ટન્ટ ફાસ્ટફૂડ કે ખાણી-પીણીના સ્ટોલો પર આધારિત બની ગયા છે. ઓનલાઈન ફૂડ મંગાવવાનો ટ્રેન્ડ વધ્યો છે.
દિવાળીના તહેવારોમાં પરિવારના સભ્યો એક સાથે એકત્ર થતા હતા. વડીલ મહિલાઓ દ્વારા એક સપ્તાહ અગાઉ જ જુદા જુદા ફરસાણ અને વાનગીઓ બનાવવાની તૈયારી શરૂ કરી દેવાતી હતી. દીકરીઓને પણ શીખવા મળતું. મેસુબ, મઠિયાં, ઘૂઘરા, મોહનથાળ, ચકરી, મેંદાની પુરી, ફાફડા-ગાંઠિયા અને ચવાણું જેવી આઇટમો બનાવવાનો ઉત્સાહ જ કઇંક અનેરો હતો. પરંતુ આજના યુગમાં જીવનશૈલીમાં બદલાવ આવતા તહેવારોમાં ઘરે વાનગીઓ બનાવવાને બદલે બહારથી જ મંગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
અગાઉ રસોઈ કળામાં દીકરીઓને તમામ ચીજવસ્તુઓ બનાવવાની જાણકારી મળતી હતી. હવે પુરૂષોની સાથે મહિલા અને યુવતીઓ પણ નોકરી-કામધંધામાં સમોવડી બની હોવાથી તેમજ કન્યા કેળવણી સ્તર વધ્યું હોવાના કારણે અને સમયના અભાવથી કેટલીક યુવતીઓ રસોઈ કળા પ્રત્યે નિરસ હોવાનું અનુભવવા મળે છે.
આ બદલાવને લીધે હવે ઓનલાઈન ફાસ્ટફૂડ મંગાવવાનું ચલણ વધ્યું છે. તહેવારોમાં મોટાભાગની વાનગીઓ બજારમાંથી ખરીદી લે છે. ફાસ્ટફૂડમાં તો અવનવી ભોજન સામગ્રી ઉપરાંત ઇન્સ્ટન્ટ સેન્ડવીચ, પાણીપુરી, ભેળ જેવી આઇટમો પણ ઓર્ડરની સાથે ઘરે આવી જાય છે. ફાસ્ટફૂડમાં પિઝા, બર્ગર અને સેન્ડવીચ સાથે હવે મોમોઝ અને શવર્મા રોલ્સ પણ યુવાનોની ભાવતી વાનગીમાં સામેલ થઈ ગયા છે. દિવાળીના સમયમાં ઘરે બનતા નાસ્તા સાથે આ વાનગીઓનો પણ લોકો ખૂબ આનંદ માણે છે. મીઠાઈની વાત કરીએ તો આપણી પારંપરિક મીઠાઈઓ સાથે હવે લોકો દિવાળીમાં મહેમાનો માટે ડીઝર્ટ પણ તૈયાર કરે છે. તેમાં મોટાભાગે ચોકલેટ ડીઝર્ટ સૌને ખૂબ પસંદ આવે છે.
ગામડાંઓમાં જૂની પરંપરા યથાવત
શહેરમાં રહેતા પરિવારોની જીવનશૈલીમાં ભલે પરિવર્તન આવી ગયું હોય પણ ગામડાઓમાં હજુ જૂની પરંપરા યથાવત રહી છે. તહેવારોમાં અનેરો ઉમંગ-ઉલ્લાસનો માહોલ રહે છે. ઘરે જ નીતનવી વાનગીઓ બનાવી આસપાસના પાડોશીઓને હેતપૂર્વક આપી દિવાળીની ખુશી સાથે શુભેચ્છા અર્પે છે.