Get The App

સુરતનો એક ખાડો 2 લાખનો, ત્રણ વર્ષમાં રસ્તા રિપેરીંગ પાછળ રૂ. 250 કરોડનો ખર્ચ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
સુરતનો એક ખાડો 2 લાખનો, ત્રણ વર્ષમાં રસ્તા રિપેરીંગ પાછળ રૂ. 250 કરોડનો ખર્ચ 1 - image


Surat Municipal Corporation : ચોમાસા દરમિયાન શહેરમાં અનેક રસ્તાઓ બિસ્માર થયા હતા તેના કારણે સુરતીઓને ભારે હેરાનગતિ થઈ હતી. રસ્તા પર પડેલા ખાડા પર શાસકો- મ્યુનિસિપલ કમિશ્નરના ફોટા મૂકી વિરોધ પક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે બાદ ગુરુવારે વિરોધ પક્ષે છેલ્લા ત્રણ વર્ષમાં રસ્તાની કામગીરી પાછળ 250 કરોડનો ખર્ચ થયો છે તેવા આંકડા જાહેર કરીને રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા.

સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાની હાલત કફોડી થઈ જાય છે અને આ રસ્તાના કારણે સુરતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે આજે પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા રસ્તાની કામગીરી અંગે માહિતી આપતા કહ્યું હતું કે ત્રણ વર્ષ દરમિયાન પાલિકાએ વર્ગ 3 અને 4 તેમજ સુપરવિઝન સ્ટાફના પગાર પાછળ અંદાજે 12 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત પાલિકા દ્વારા જે મશીનરીઓ ઉપયોગમાં લેવાય છે તેની પાછળ અંદાજે 14.79 કરોડ, રોડ રસ્તા મરામતમાં જે સામગ્રી વપરાય છે તેની પાછળ અંદાજે 46.40 કરોડ તેમજ રોડ રસ્તા મરામત કરનારી વિવિધ એજન્સીઓને 26.80 કરોડ જેટલી માતબર રકમની ચુકવણી કરવામાં આવી છે. કુલ મળીને પાછલા ત્રણ વર્ષના આ બધા આંકડા જોવા જઈએ તો 250 કરોડ જેટલો ખર્ચો થવા જઈ રહ્યો છે.

જેમાં પણ ગત વર્ષે પાલિકાએ 98 કરોડ જેટલો ખર્ચ રસ્તા રિપેરિંગ પાછળ કર્યો હતો. જેમાં પાલિકા દ્વારા 5331 ચો. મી.રોડ રિપેરિંગ કરવામાં આવ્યાં હતાં. મતલબ કે એક ખાડો એક ચો.મી.નો ગણીએ તો 1,84,000 રૂપિયાનો અંદાજિત ખર્ચ ફક્ત ને ફક્ત એક ખાડા રિપેર કરવા પાછળ થયો છે. રસ્તાના ખાડા પૂરવા પાછળ કરોડોનું આંંધણ થાય છે તો પણ આજે રોડ રસ્તાની હાલત ખરાબ જ છે, તો આ રૂપિયા ક્યાં જતા હશે તે સૌથી મોટો સવાલ છે. તેમ કહીને વિપક્ષના ઉપનેતા મહેશ અણઘડે શાસકો અને તંત્ર સામે આક્ષેપ કર્યા હતા.


Google NewsGoogle News