સુરતમાં ખાડો ખોદે પાલિકા અને પડે પ્રજા: સ્કૂલ નજીક દોઢ મહિનાથી પડેલો ખાડો વિદ્યાર્થીઓ માટે જોખમી
Surat Corporation : સ્માર્ટ સિટી સુરતમાં પાલિકાના કેટલાક વિભાગોની નબળી કામગીરીના કારણે પ્રજાને હાલાકી થઈ રહી છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાલિકાની શાળા નજીક પાણી-ડ્રેનેજની કામગીરી માટે દોઢ મહિના કરતાં વધુ સમયથી ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ નથી ઝડપથી કામગીરી પૂર્ણ કરાતી કે નથી ખાડો પુરવામા આવતો. જેના કારણે શાળામાં આવતા વિદ્યાર્થીઓ માટે આ ખાડો જોખમી બન્યો છે. આ ખાડાના કારણે લોકો ભારે હાલાકી પડે છે, ટ્રાફિક જામની સમસ્યાસર્જાવાની સાથે અકસ્માતની ભીતિ રહેલી છે. લોકો રોષ ઠાલવી રહ્યા છે કે કોઈ દુર્ઘટના સર્જાયા બાદ જ પાલિકાની ઉંઘ ઉડશે?.
ખાડો ખોદે પાલિકા, પડે પ્રજા!!
સુરત પાલિકા આગામી દિવસોમાં બજેટ જાહેર કરવા જઈ રહી છે અને વિકાસના કામોને વેગ મળે તેવી કામગીરી કરી રહી છે. જોકે, પાલિકાના કેટલાક વિભાગ દ્વારા નબળી કામગીરી કરવામાં આવતું હોવાથી ખાડો ખોદે પાલિકા અને તેમાં પડે પ્રજા તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનના રુદરપુરા વિસ્તારમાં પાલિકાની શાળા નજીક જ પાણી-ડ્રેનેજની કામગીરી માટે ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડો દોઢેક મહિના પહેલાથી ખોદવામાં આવ્યો છે પરંતુ ઝોન કે વિભાગ દ્વારા આ કામગીરી પૂરી કરવામાં આળસ કરવામા આવી રહી છે.
તાત્કાલિક ખાડો પુરવા માગ
રુદરપુરા વિસ્તરમાં દોઢેક મહિનાથી ખાડો ખોદવામા આવ્યો છે અને તેમાં પાણીનો પણ ભરાવો થયો છે. ખાડો ખોદ્યો છે તેની નજીક જ પાલિકાની સ્કુલ આવી છે અને આ ખાડાની આસપાસથી વિદ્યાર્થીઓ પગપાળા કે સાયકલ પર શાળાએ આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ આવવા જવા માટે આ ખાડાની નજીકથી પસાર થવું પડે છે ખાડાની આસપાસ કોઈ બેરીકેટ પણ કરવામાં આવ્યા ન હોવાથી અકસ્માતે કોઈ વિદ્યાર્થી પડી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત આ વિસ્તારમાંથી રોજ સંખ્યાબંધ વાહનો પસાર થાય છે પરંતુ આ ખાડાના કારણે અકસ્માત થાય તેવી ભીતી છે. આ અંગેની ફરિયાદ મળતા કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરે તાત્કાલિક ખાડો પુરવામાં આવે તેવી માંગણી કરી છે.