વડોદરાના સયાજીગંજ વિસ્તારના મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો, વાહનચાલકોને હાલાકી
વડોદરામાં વગર વરસાદે ભર શિયાળે ભૂવો પડવાનું હજુ યથાવત છે. શહેરના સૌથી વધુ વ્યસ્ત રહેતા વિસ્તારોમાંથી એક સયાજીગંજ વિસ્તારના મુખ્ય રોડ પર ભૂવો પડ્યોછે. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર આજે ગુરુવારે સવારે ભુવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સયાજી ગંજથી અલકાપુરી તરફ જવાના રોડ પર યશ કમળ પાસે ગટરની મેઈન ચેમ્બર પાસે જ આ ભૂવો પડ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ આવી તપાસ કરી જતા રહ્યા હતા.
ભૂવાનું સમારકામ શરૂ કરાય તે પહેલા તેને કોર્ડન કરાશે, જેના લીધે રોડ પર વાહન વ્યવહારને અસર થશે અને ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળશે. આ ભૂવો ખૂબ જ ઊંડો દેખાઈ રહ્યો છે. નીચે કોઈ લાઈન ડેમેજ થવાથી ઉપરથી દબાણ આવતા ભૂવો પડ્યો હોવાનું માનવામાં આવે છે. પરંતુ ખોદકામ કર્યા બાદ જ કયા કારણથી ભુવો પડ્યો તે જાણી શકાશે.
શહેરમાં ભૂવા પડવાનું યથાવત
અગાઉ શહેરના રેસકોર્સ વિસ્તારમાં પણ બે ભૂવા પડ્યા હતા, જેનું સમારકામ અને પુરાણ કર્યા બાદ હજુ સુધી બેરીકેડ હટાવ્યા નથી. જેના લીધે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ચોમાસા દરમિયાન શહેરમાં ભારે વરસાદ અને ત્રણ વખત પુરના કારણે ભૂવા પડવાનો સિલસિલા સતત યથાવત જોવા મળી રહ્યો છે. પાણી, ગટરની લાઈનો જૂની થઈ જવાના કારણે તેમાં ભંગાણ પડવાના લીધે રીપેરીંગ માટે ખોદકામ પછી કોન્ટ્રાક્ટરો દ્વારા પુરાણની કામગીરી બરાબર નહીં કરવામાં આવતા ભૂવા પડવાનું પ્રમાણ વધ્યું છે.