અંબાજીમાં અસામાજિક તત્ત્વોના આતંકના વિરોધમાં સજ્જડ બંધ, સામાન્ય નાગરિકો અસુરક્ષિત
Ambani Bandh : યાત્રાધામ અંબાજીમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી ગયો છે. મોબાઇલ ચોરી, ચેઇન સ્નેચિંગ અને પથ્થરમારાના બનાવો દિવસે ને દિવસે વધવા પામ્યા છે. આજકાલ પથ્થરમારો, ચાકુબાજી, લૂંટફાટની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. તાજેતરમાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મોટાભાઇ જીતુભાઇ પટેલના મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્ત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા. જેને લઇને બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજીમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના આતંકના લીધે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે.
સતત શ્રદ્ધાળુઓ ધસારો રહેતો હોવાથી અંબાજીની બજારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે પરંતુ આજે વેપારી દ્વારા બંધનું એલાન આપવામાં આવતાં બજારોમાં શાંતિ જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો પોતાની અને પરિવારની સુરક્ષાને લઇને સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અસામાજિક તત્ત્વોનો વધતો જતો આતંક પોલીસની કામગીરી સામે ઉભા કરી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આજે આ જિલ્લાને ધમરોળશે મેઘરાજા, અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આજે વહેલીથી બજારોથી જ બજાર સજ્જડ બંધ રહ્યું હતું. ક્યાંક છૂટી છવાઇ ચાની કિટલીઓ ચાલુ જોવા મળી હતી પરંતુ વેપારીઓ દ્વારા સમજાવવામાં આવતાં શાંતિપૂર્ણ રીતે બંધનું પાલન કરવામાં આવ્યું છે. અસામાજિક તત્ત્વોથી હેરાન-પરેશાન વેપારીઓ આજે મોટી સંખ્યામાં એકઠા થઇને પોલીસ મથકે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું છે. અંબાજી પોલીસે પણ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે અંગે આશ્વાસન આપ્યું હતું.
આ બંધના આંદોલનમાં 200 જેટલા સ્થાનિક ટેક્સી ચાલકો પણ જોડાયા હતા. જેના લીધે દૂર દૂરથી દર્શને આવનાર યાત્રાળુને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સતત ભરચક રહેતા અંબાજીના બજારમાં આજે નીરવ શાંતિ વ્યાપી જવા પામી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે જો પોલીસ દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી કેટલા દિવસ સુધી અંબાજી બંધ રહેશે તેનું નક્કી નથી. જ્યાં સુધી સુરક્ષા નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.