આણંદમાં બસ સ્ટેન્ડ, પોલીસ મથક, ગંજ પાસે ગંદકીના ઢગ
- ત્રણ દિવસથી સફાઈ, દબાણ હટાવવાની માત્ર વાતો
- પાલિકામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન બનવાના ઉત્સાહમાં સફાઈ વિભાગ કામગીરી ભૂલ્યું
આણંદ : આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ અને દબાણો હટાવવાની વાતો થઈ રહી છે. ત્યારે શહેરના બસ સ્ટેન્ડ, મહિલા પોલીસ સ્ટેશન અને ગંજ પાસે કચરાના ઢગલાં ખડકાયેલા યથાવત્ છે. નગરપાલિકામાંથી બનેલી આણંદ મહાનગરપાલિકામાં વહીવટદાર સહિત કમિશનર દ્વારા શહેરમાં સ્વચ્છતા અને દબાણ સંદર્ભે કામગીરી કરવાની વાતો થઈ રહી છે. ત્યારે આજે આણંદમાં કમિશનર તરીકે મિલિંદ બાપનાએ ચાર્જ લીધો હતો. ત્યારે શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલી એકતા પોલીસ ચોકી તથા મહિલા પોલીસ સ્ટેશન પાસે, ગંજ પાસે મર્કન્ટાઈલ બેંક પાસે સફાઈના અભાવે કચરાના ઢગલાં ખડકાયેલા જોવા મળ્યા હતા. દુર્ગંધના લીધે લોકો નાકે રૂમાલ મૂકીને પસાર થવા મજબૂર બન્યા હતા. આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન થવાના ઉત્સાહમાં સફાઈ વિભાગ સફાઈકામગીરી ભૂલાઈ ગયું હોય તેમ પ્રથમ દિવસે જ સ્વચ્છતાની વાતો પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે.