પાટડી પાલિકાના બે સફાઈ કર્મીના મોત મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ
- ગેસ ગળતરથી બે કર્મી મોતને ભેટયા હતા
- નગરપાલિકાને 48 કલાકમાં જવાબ રજૂ કરવા આદેશ કરાતા દોડધામ
સુરેન્દ્રનગર : પાટડી નગરપાલિકાના બે સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે પાલિકાને પક્ષકાર તરીકે જોડી ૪૮ કલાકમાં જવાબ રજૂ કરવા હુકમ કરતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પાટડી નગરપાલિકાના બે કોન્ટ્રાક્ટબેઈઝ સફાઈ કામદારોના ગત તા.૨૧ જાન્યુઆરીના રોજ ભુગર્ભ ગટરની સફાઈ કરતી વખતે ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા. જેમાં પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોને સેફટીના સાધનો વગર સફાઈ કરાવતા બેદરકારી સામે આવી હતી અને આ મામલે મૃતકના પરિવારજને પાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેક્ટર અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લીધી હતી. ત્યારે ચીફ ઓફિસર અને સેનેટરી ઈન્સ્પેક્ટર હજૂ પણ પોલીસ પડકથી દુર છે. જેમને ઝડપી પાડવાની પરિવારજનો માંગ કરી રહ્યાં છે. ત્યારે આ સમગ્ર બનાવ અંગે તાજેતરમાં અમદાવાદની માનવ ગરીમા સંસ્થા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પાટડી નગરપાલિકા સામે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જેમાં બે સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાટડી નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડી ૪૮ કલાકમાં જવાબ રજુ કરવા હુકમ કરવામાં આવતા પાલીકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.