Get The App

મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ, કરોડોની ઉચાપત

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ, કરોડોની ઉચાપત 1 - image


PIL alleges mismanagement at Mahudi temple: સુપ્રસિધ્ધ યાત્રાધામ મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થવા ઉપરાંત, કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ સહિતના લોકો દ્વારા ઉંચાપતના ગંભીર આક્ષેપો કરતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ છે. 

પીઆઇએલની સુનાવણી આવતા મહિને વેકેશન બાદ 

જાહેરહિતની રિટ અરજીમાં વર્ષ 2012થી લઈ 2024ના વર્ષ સુધીના ઓડિટ-હિસાબોની તપાસ કરાવવા અને રાજય સરકાર દ્વારા સમગ્ર ઉચાપત પ્રકરણ મામલે વિશેષ કમીટી રચી તપાસ કરાવવા દાદ માંગવામાં આવી છે. આ પીઆઇએલની વધુ સુનાવણી આવતા મહિને વેકેશન બાદ નીકળે તેવી શકયતા છે.

પબ્લીક ડોમેનમાં તમામ હિસાબો સ્પષ્ટ કરવાની માંગ 

શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરનો વહીવટ અને સંચાલન સુચારુરૂપે થાય તે હેતુસર પબ્લીક ડોમેનમાં તમામ હિસાબો સ્પષ્ટ કરવા પણ પિટિશનમાં માંગ કરાઈ છે. અરજદાર જયેશ બાબુલાલ મહેતા તરફથી કરાયેલી પીઆઇએલમાં મંદિરની હાલની રચાયેલી કમીટી ગેરકાયદે અને બની બેઠેલા સભ્યોની હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

પીઆઈએલમાં આક્ષેપભરી રજૂઆત 

મંદિરની કમીટીના સભ્યો દ્વારા 2016માં નોટબંધી દરમ્યાન 20 ટકા કમીશનથી જૂની નોટ બદલી ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ પણ અરજદાર તથા અન્યો દ્વારા સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ કરાઈ હતી. અરજદારપક્ષ તરફથી પીઆઈએલમાં આક્ષેપભરી રજૂઆત કરાઈ છે કે, ગાંધીનગર જિલ્લામાં આવેલ મહુડી ખાતેનું શ્રી ઘંટાકર્ણ મહાવીરનું જૈન મંદિર 100 વર્ષ કરતાં પણ પ્રાચીન અને તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને લઈ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. 

130 કિલો સોનું ગાયબ હોવાનો ગંભીર આક્ષેપ 

એક જૈન નાગરિક હોવાના નાતે મંદિરમાં ચાલતી ગેરરીતિઓ ઉજાગર કરવાની તેમજ ફરજ લગતા આ પીઆઈએલ દાખલ કરાઈ છે. હાલની કહેવાતી ગેરકાયદે મેનેજમેન્ટ કમિટીના સભ્યો ભુપ્રન્દ્રભાઈ વોરા અને કમલેશભાઈ મહેતા દ્વારા 130 કિલો સોનું ગાયબ અને રૂ.14 કરોડથી વધુની નાણાંકીય ઉચાપત કરાઈ હોવાના ગંભીર આક્ષેપ પિટિશનમાં કરાયા હતા.

કમીટીના સભ્યો દ્વારા તેમના અંગત હિત માટે આમ કરવામાં આવે છે

અરજદાર દ્વારા એ મુદ્દા પણ રજૂ કરાયા કે, 2012થી લઈને અત્યાર સુધી આ કહેવાતી મેનેજમેન્ટ કમીટીના સભ્યો દ્વારા ગેરકાયદે રીતે અને ગેરબંધારણીય રીતે મંદિરની રોજિંદી ક્રિયાઓ અને વિધિઓ તેમની મરજી મુજબ કરવામાં આવે છે. કમીટીના સભ્યો દ્વારા તેમના અંગત હિત અને લાભ ખાટવા માટે આમ કરવામાં આવે છે.

કાયદેસર, યોગ્ય અને વાજબી બંધારણની રચના થવી જોઈએ

અરજદાર દ્વારા માંગ કરાઈ કે, હાલની મેનેજમેન્ટ કમિટી અને તેના સભ્યો વિરૂધ્ધ કરોડોની નાણાંકીય ઉચાપત અને ગેરરીતિઓના ગંભીર આરોપો હોઈ રાજય સરકાર દ્વારા એક વિશેષ કમીટી રચાવી જોઈએ અને ચેરિટી કમિશનરે પણ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ. ખાસ કરીને 2012થી લઈ 2024 સુધીના ઓડિટ અને એકાઉન્ટના હિસાબો તપાસી તેનો ફાઈનલ રિપોર્ટ સરકારે પબ્લીક ડોમેનમાં જાહેર કરવો જોઈએ. એટલું જ નહિ મંદિરનું બંધારણ પણ પબ્લીક ટ્રસ્ટ રેકર્ડ(પીટીઆર) મુજબ નહીં હોઈ કાયદેસર, યોગ્ય અને વાજબી બંધારણની રચના પણ થવી જોઈએ.

ચેરિટી કમિશનરમાં પણ જુદી જુદી ફરિયાદો કરાયેલી છે

અરજદારપક્ષ દ્વારા પિટિશનમાં જણાવાયું છે કે, અરજદાર દ્વારા અગાઉ આ સમગ્ર મામલે જોઈન્ટ ચેરિટી કમિશનર, અમદાવાદ સમક્ષ જુદી જુદી ફરિયાદો-અરજીઓ પણ કરાયેલી છે. આ ચારેય અરજીઓ જોઈન્ટ ચેરિટી કમિશનરની કચેરીમાં પડતર હોવા છતાં તેની હજુ સુધી અસરકારક સુનાવણી થઈ નથી.

વર્ષે દહાડે મહુડી મંદિરમાં કરોડોનું, સોના-ચાંદીનું દાન આવે છે

અરજદાર દ્વારા જણાવાયું કે, ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં શ્રદ્ધાળુઓ- દાતાઓ દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનું રોકડ દાન, સોના-ચાંદીનું દાન આવે છે પરંતુ તેમ છતાં મંદિરના દર્શનાર્થે આવતાં યાત્રાળુઓને જોઈએ તેવી પ્રાથમિક સુવિધા પણ પૂરી પડાતી નથી.

મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ, કરોડોની ઉચાપત 2 - image


Google NewsGoogle News