Get The App

ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા

Updated: Mar 26th, 2025


Google News
Google News
ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા 1 - image


Physical Teachers Protest In Gandhinagar : એક તરફ રમશે ગુજરાતના દાવા સાથે ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો સરકાર યોજે છે. અને બીજી તરફ ખેલાડીઓને તૈયાર કરનાર વ્યાયામ વીરો કે ખેલ સહાયકોની અવગણના કરાય છે. ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આજે પોલીસ જાણે કે તૂટી પડી. જાણે અસામાજિક તત્ત્વો હોય તેમ પોલીસે વીરતા બતાવીને વ્યાયામ વીરોની ટિંગાટોળી કરીને વેનમાં ધકેલી દીધા. 

આવી રીતે તૈયાર થશે રમતવીરો?

સરકારને એક તરફ 2036માં દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવું છે. આ માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે સ્ટેડિયમો, મેદાનો, હોસ્ટેલો, હોટલો તૈયાર કરાવાઈ રહી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓને રમત-ગમતના પાઠ ભણાવનારા શિક્ષકો સાથે ગુનેગારો જેવું વર્તન થાય છે. અને એ પણ ફક્ત પોતાની પડતર માગણીઓની રજૂઆત કરવા બદલ. 

આ પણ વાંચો: આંદોલનકારી વ્યાયામ વીરોની ગુજરાત વિધાનસભા તરફ કૂચ, પહોંચે તે પહેલા જ અટકાયત

વ્યાયામ વીરોએ બતાવી એકતા

આ આંદોલન દરમિયાન વ્યાયામ વીરોએ હકની લડાઈ માટે એકબીજાનો હાથ પકડીને એકતા બતાવી. જ્યારે પોલીસે કાર્યવાહીના નામે શિક્ષકોને રસ્તા પર ઢસડીને વેનમાં ઠૂસી દીધા. અચાનક આક્રમક બનેલી પોલીસના આ કૃત્ય પછી ભાગદોડ મચી જવી સ્વાભાવિક હતી. મહિલા ખેલ સહાયકો તો પોલીસનું આ રૂપ જોઈ આઘાતમાં પડી ગઈ. આ સ્થિતિમાં અનેક મહિલાઓ ક્ષોભમાં ના મૂકાય એ માટે ભાગવા લાગી. કોઈ ફૂટપાથ કૂદીને તો કોઈ કાંટાળી વાડ કૂદીને ભાગી ગયા. 

ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા 2 - image

માનવતા પણ સરકારી હુકમ નીચે ચગદાઈ ગઈ

સરકારની જોહુકમી અને પોલીસની કડકાઈ સામે આ ખેલ સહાયકો નિ:સહાય થઈ ગયા. રોડની બાજુમાં શાંતિપૂર્વક રીતે પોતાની માગ સાથે દેખાવો કરી રહેલી મહિલા ખેલ સહાયકોને પણ ખેંચીને-ઢસડીને પોલીસ વેનમાં ઘુસાડવામાં આવી. મહિલા પોલિસકર્મીઓની માનવતા પણ સરકારી હુકમ નીચે ચગદાઈ ગઈ હોય તેવું જોવા મળ્યું. આ આંદોલનકારીઓએ નથી કોઈને ખલેલ પહોંચાડી, કે નથી કોઈને નુકસાન પહોંચાડ્યું, બસ પોતાની વર્ષો જૂની માગ સરકાર સમક્ષ લઈને આવ્યા હતા.

નેતાઓને મોંઘવારી નડે છે, સામાન્ય લોકોને નહીં? 

સાંસદો, નેતાઓને પગાર ભથ્થા વધે તો કોઈ વાંધો નથી, પરંતુ કર્મચારીઓના પગાર કે ભથ્થા વધારવામાં કેમ ચૂંક આવે છે તેવો પણ સવાલ આંદોલનકારીઓ કરી રહ્યા છે. ફક્ત 20 હજાર રૂપિયામાં 11 મહિનાના કરાર પર કેટલા સમય સુધી નોકરી કરે અને એ પણ આવી મોંઘવારીમાં. સરકાર કાયમી કરતી નથી તો પછી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ ખેલ સહાયકોએ સરકાર પાસે સહાય માગી તેમાં શું ગુનો થઈ ગયો?

સાંસદોને મોંઘવારી ફળી, પ્રજાની હાડમારી જૈસે થે!

વધતી મોંઘવારી અને ખર્ચાને ધ્યાનમાં રાખીને સાંસદોના પગારમાં 24 ટકાના વધારાનો નિર્ણય લેવાયો છે. સાંસદોનો પગાર મહિને રૂ. 1.24 લાખ છે, જ્યારે   દૈનિક ભથ્થુ રૂ. 2500, અને ઓફિસ ખર્ચ માટે મહિને રૂ. 60 હજાર અપાય છે. એટલુ જ નહીં સાંસદોને પોતાના તેમજ પોતાના પરિવાર માટે દર વર્ષે મફત 34 હવાઇ મુસાફરીનો લાભ અપાય છે. તો પૂર્વ સાંસદોનું પેન્શન પણ વધારીને રૂ. 31000 કરાયું છે.   

આ પણ વાંચો: વ્યાયામ શિક્ષકોની આપવીતી: 'નેતાઓ રિબનો કાપે છે અને અમે 45 ડિગ્રી ગરમીમાં આંદોલન...'

સરકારના બેવડા ધોરણોથી લોકોમાં રોષ

એક તરફ સરકાર આજે બુધવારે કલાકારોની આગતાસ્વાગતા કરવામાં વ્યસ્ત હતી. વિક્રમ ઠાકોરના વિવાદ પછી કલાકારો માટે વિધાનસભામાં લાલ જાજમ પાથરવામાં આવી, પરંતુ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવામાં મદદરૂપ થનારા વ્યાયામ શિક્ષકોને રસ્તા પર ખેંચી ખેંચીને ધૂળ ચાટતા કરી દેવાયા. વિક્રમ ઠાકોરે સરકારની વ્હાલા-દવલાની નીતિનો વિરોધ કર્યો, તો સરકાર ઝૂકી ગઈ અને આજે બુધવારે રાજ્યના તમામ કલાકારોને વિધાનસભામાં બોલાવી ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું. બીજી તરફ, કલાકારોનો વિરોધ સરકારના કાને પડતો હોય, તો તમામ શિક્ષકો, પરીક્ષાર્થીઓ કે અન્ય આંદોલનકારીઓનો અવાજ સરકારને કેમ સંભળાતો નથી? 

શું આજ કારણથી લોકો વિદેશ જતા રહે છે?

દેશ કે ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી લોકો વતન છોડી વિદેશ જતા રહે તે સામાન્ય છે. ત્યારે સવાલો ઉઠે છે કે, લોકો આ રીતે કેમ જતા હશે, પરંતુ ગાંધીનગરમાં સર્જાતા વારંવારના આવા દ્રશ્યોમાં જ તેનો જવાબ મળે છે. એક તરફ ડિગ્રી હોવા છતાં નોકરીઓ નથી અને બીજી તરફ સરકાર ખાલી જગ્યાઓ પર ભરતી કરતી નથી. આ કારણસર લોકોમાં પણ કાયદેસર કે ગેરકાયદે રીતે વિદેશ જવાની ઘેલછા વધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.




Tags :