ભૌતિક અદાલતોનું અસ્તિત્વ ખતમ નહી થાય પરંતુ તેનું સ્થાન વર્ચ્યુઅલ કોર્ટ્સ લેશે : કામગીરી સરળ-ઝડપી થશે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
gujarat high court


Virtual Courts: રાજય ન્યાયતંત્રમાં ટેકનોલોજી અને એઆઇ, વર્ચ્યુઅલ કોટ્‌ર્સ, હાઇબ્રીડ હીયરીગ સહિતના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટનો મોટો ફાયદો એ થયો છે ખાસ કરીને મહિલા વકીલો માટે બહુ મોટો ફેરફાર આવ્યો છે. 

વર્ચ્યુઅલ કોર્ટસ અને હાઇબ્રીડ સુનાવણી મહિલા વકીલો માટે આશીર્વાદ સમાન

મહિલા વકીલો કે જેઓ તેમના ઘરની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રની વચ્ચે ઝઝુમી રહી હોય છે તેઓ માટે વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા અદાલતમાં હાજર થવુ ખૂબ જ સરળ બની જાય છે અને વર્ચ્યુઅલ કોર્ટ તેમ જ હાઇબ્રીડ સુનાવણી મહિલા વકીલો માટે વરદાન સમાન બની રહી છે એમ અત્રે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું. 

ફેડરેશન ઓફ વુમન લોયર્સના સેમિનારમાં ગુજરાતના ચીફ જસ્ટિસનું સંબોધન

ફેડરેશન ઓફ વુમન લોયર્સ(ગુજરાત યુનિટ) દ્વારા ટેકનોલોજી એન્ડ ધ લીગલ સિસ્ટમ ઇન રિલેશન ટુ એઆઇ : વર્ચ્યુઅલ કોર્ટસ, હાઇબ્રીડ કોર્ટસ, હાઇબ્રીડ હીયરીંગ એન્ડ ઓનલાઇન ફાઇલીંગ, અન્ડરસ્ટેન્ડીંગ ધ ચેન્જીંગ લીટીગેશન્સ લેન્ડસ્કેપ આયોજિત સેમીનારના મુખ્ય મહેમાનપદેથી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આ મુજબ જણાવ્યું હતું. 

ચીફ જસ્ટિસે વઘુમાં જણાવ્યું હતું કે, હાઇબ્રીડ હીયરીંગનો બીજો મોટો ફાયદો વરિષ્ઠ વકીલોને પણ થયો છે. હાઇબ્રીડ સુનાવણી માટે સુપ્રીમકોર્ટનો ઉમદા આશય ન્યાયતંત્રમાં સુનાવણીમાં સરળતા લાવવા માટેનો છે. અદાલતની આ મોટી જવાબદારી છે કે પક્ષકારોને યોગ્ય સેવા પૂરી પાડી શકે. પક્ષકારો માટે પણ તે જરૂરી છે કે, તેઓ કોર્ટ પ્રોસીડીંગ્સ સહિતની બાબતો વિશે જાણકારી મેળવે. આમ, ટેકનોલોજી એ પક્ષકારો, વકીલો અને અદાલત વચ્ચે સેતુરૂપ બની રહી છે. 

આ પણ વાંચો: આજે ‘આત્મહત્યા નિવારણ દિવસ’: ગુજરાતમાં દરરોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા, 3 વર્ષમાં 10 ટકાનો વધારો

સિસ્ટમને પેપરલેસ બનાવવાની સૌપ્રથમ પહેલ ગુજરાત હાઇકોર્ટમાં 

ઓનલાઇન ફાઇલીંગના મહત્ત્વપૂર્ણ પ્રોજેકટને અપનાવનાર ગુજરાત હાઇકોર્ટ સૌપ્રથમ છે કે જેણે સિસ્ટમને પેપરલેસ બનાવવા અને તમામને ન્યાય આપવાની પહેલ કરી છે. તેમણે મહિલા વકીલોને તેમના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠતમ પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. 

આ પ્રસંગે હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે જણાવ્યું હતું કે, ટેકનોલોજીનો સ્વીકાર કરવો એ ચાવી છે અને માનવ જીવન ટેકનોલોજી સાથે જોડાયેલું છે. ખાસ કરીને ન્યાય વિતરણ પ્રણાલિમાં તકનીકી પ્રગતિ સાથે ઝડપથી ટેકનોલોજી એડવાન્સમેન્ટ આપણે અપનાવ્યું છે, જે ન્યાય પ્રદાન કરવાની પઘ્ધતિને વઘુ સરળ અને ઉત્કૃષ્ટ બનાવશે. 

વર્ચ્યુઅલ કોર્ટે બદલાતા લીટીગેશન્સના પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડતાં જસ્ટિસ નિખિલ કેરીયલે વઘુમાં ઉમેર્યું કે, આપણે બધા ભાગ્યશાળી છીએ કે, આપણે ન્યાય વિતરણ પ્રણાલિમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટના પેઢીગત પરિવર્તનના સાક્ષી છીએ. ભૌતિક અદાલત કદાચ સંપૂર્ણપણે ખતમ નહી થાય પરંતુ ધીમે ધીમે તેનું સ્થાન આગામી દસ કે પંદર વર્ષમાં વર્ચ્યુઅલ કોર્ટો લેશે. 

અમુક વિષયોને લગતા અમુક કેસો માત્ર ઓનલાઈન મોડ દ્વારા હાથ ધરવાનો સમય હવે આવી ગયો છે. જ્યાં એક તરફ ફોજદારી ટ્રાયલના કિસ્સામાં ઓનલાઈન મોડ શક્ય ન હોઈ શકે, જ્યાં ન્યાયાધીશ પણ સાક્ષીઓ અથવા આરોપીઓના વર્તનથી પ્રભાવિત હોય છે, તે જ સમયે, સત્તાવાર સાક્ષીઓની તપાસના કિસ્સામાં હાઇબ્રીડ મોડ અપનાવી શકાય છે. 

આ પણ વાંચો: PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, કર્મચારી આંદોલનના એલાનથી સરકારને ડર લાગ્યો

દરમ્યાન આમંત્રિત મહાનુભાવ તરીકે કેરળ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ આશિષ જે દેસાઇએ ટેકનોલોજી અને તેની પ્રગિતની ઝાંખી અને એઆઇના સમાવેશ સંદર્ભના પાસાઓ વિશે માહિતી આપી હતી. તો, જસ્ટિસ હર્ષા દેવાણીએ પણ કાર્યક્રમની શોભામાં અભિવૃઘ્ધિ કરી હતી. ધી ફેડરેશન ઓફ વુમન લોયર્સ(ગુજરાત યુનિટ)ના પ્રમુખ ડો.અમી યાજ્ઞિકે સેમીનારના વિષય અને કેવી રીતે બદલાતી ટેકનોલોજી એ સમયની જરૂરિયાત છે તે સંદર્ભે પ્રકાશ પાડયો હતો. 

સેમીનારમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી ડી.નાણાવટી, જસ્ટિસ મોના ભટ્ટ, જસ્ટિસ મોક્ષા ઠક્કર, એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહ, પબ્લીક પ્રોસીકયુટર હાર્દિક દવે સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

ભૌતિક અદાલતોનું અસ્તિત્વ ખતમ નહી થાય પરંતુ તેનું સ્થાન વર્ચ્યુઅલ કોર્ટ્સ લેશે : કામગીરી સરળ-ઝડપી થશે 2 - image



Google NewsGoogle News