ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટનો પહેલો ફેઝ જૂન મહિનામાં ખુલ્લો મૂકવા માટે કવાયત
સુરતના એક માત્ર મનોરંજનનું સ્થળ ડુમસના સી ફેઝ ડેવલપમેન્ટ માટેની કામગીરી લાંબા સમયથી ફાઈલ બહાર આવતી જ ન હતી પરંતુ થોડા સમય પહેલાં સરકાર, ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરાતા આ પ્રોજેક્ટ ફાઇલ માંથી બહાર આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટના પહેલાં અને બીજા તબક્કા માટે ના અંદાજને ગત ફેબ્રુઆરી માસમાં જાહેર બાંધકામ સમિતિ મંજૂરી આપી હતી.ત્યાર બાદ 24 ડિસેમ્બર ના રોજ ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જુન મહિનામાં પહેલા તબક્કાનું લોકાર્પણ થાય તે માટે આયોજન કરાયું છે. ત્યારે ભાજપ શાસકોએ ડુમસ સી ફેઝ જઈ કામગીરી નિહાળી જૂન- જુલાઈ સુધીમાં લોકાર્પણ થાય છે કે નહીં તેની માહિતી મેળવી હતી.
સુરત મહાનગર પાલિકા માટે ડ્રીમ પ્રોજેક્ટ અને સુરતીઓ માટે પીકનીક સ્પોટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પહેલા તબક્કામાં ૧૦.૩૨ હેક્ટર જમીનમાં થઇ રહેલ એમ્યુઝમેન્ટ અને ઇકોટૂરિઝમ પાર્કના ડેવલપમેન્ટ માટે ૧૭૪.૨૨ કરોડના ખર્ચે તથા બીજા ફૈઝના ડેવલપમેન્ટ અંતર્ગત ૨.૪૫ હેક્ટર જમીનમાં વિવિધ વિકાસલક્ષી કામો હેતુ ૮૫ કરોડના ખર્ચે કામગીરી સોંપવામાં આવી છે અને આ કામગીરી હાલ ચાલી રહી છે.
આ કામનો માસ્ટર પ્લાન ડિઝાઇન કન્સલટન્ટ આઈ.એન.આઈ. ડિઝાઇન સ્ટુડિયો, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવ્સયો છે. આ પ્રોજેકટનો કુલ વિસ્તાર આશરે ૧૦૨ હેકટર જેટલો છે જયારે દરિયાની કુલ લંબાઈ ૦૫ કિ.મી. જેટલી આવરી લેવામાં આવ્યો છે. જે પૈકી પ્રથમ તબક્કા રૂપે આ પ્રોજેક્ટ ડિઝાઇન કન્સલટન્ટ આઈ.એન.આઈ. ડિઝાઈન સ્ટુડિયો, અમદાવાદ દ્વારા તૈયાર કરેલ ડિઝાઈન મુજબ આશરે ૧૨.૮૬ હેકટર જમીન પર (ઝોન-૧) ડેવલપ કરવાનું આયોજન કરવામા આવ્યુું છે. આ પ્રોજેકટ માટે ઝોન-૧ ની આશરે. ૨૪૪ કરોડનાં ટેન્ડર રકમના કેપીટલ કામ હાલ ચાલી રહ્યાં છે.
પહેલા તબક્કાની કામગીરી પૂરી કરીને જુન અથવા જુલાઈ મહિનામાં લોકાર્પણ થાય તે માટે કવાયત શરૂ થઈ છે. જેના ભાગરૂપે શુક્રવારે મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ પ્રોજેક્ટ નિહાળવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સામે અધિકારીઓએ પ્રેઝન્ટેશન કર્યું હતું. ત્યાર બાદ શાસકોએ કેટલાક સુચનો પણ કર્યા હતા. જેમાં સાયકલ ટ્રેક, ઈવેન્ટ પ્લે ગ્રાઉન્ડ કે જેમાં પતંગ મહોત્સવ જેવી ઈવેન્ટ થઈ શકે, આશરે ૧૦૦૦ જેટલા લોકો એકી સાથે યોગા કરી શકે, અર્બન બીચ તૈયાર કરી તેમાં બીચ વોલીબોલ સ્પર્ધા પણ થઈ શકે તેવા સૂચન કરવામાં આવ્યા હતા. હાલ આ પ્રોજેક્ટ સ્થળ પર 45 ટકા જેટલો પૂરો કરી દેવામા આવ્યો છે
આ ઉપરાંત સમગ્ર પ્રોજેકટમાં મરાઈન થીમ બેઝ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટની પણ પૂરેપૂરી સમજ લેવામાં આવી અને તેને ફાઇનલ કરવામાં આવ્યા.સાથે સાથે આ પ્રોજેકટમાં રાખવામાં આવનાર ૦૮ જેટલા મરાઈન થીમ બેઝના સ્કલપચરના મોડલ તથા મીનીએચર પણ ખુબ જ નિહાળવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં કેટલીક વીજ લાઈન નડતરરૂપ છે તેને શીફ્ટ કરવા માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સમ્રગ પ્રોજેકટ જુલાઈ-૨૦૨૫ સુધીમાં સાકારીત કરી તેનું લોકાર્પણ કરી શકાય તે માટે ઝડપી કામગીરી કરવાની સૂચના પણ ઈજારદારને આપવામાં આવી છે.