VIDEO : જામનગરની વીજ કચેરીમાં હોબાળાનો કેસ, કોર્પોરેટર રચના નંદાણીયાને જેલમાં ધકેલાયા
PGVCL Officer File Complaint Against Rachana Nandaniya: જામનગર શહેરમાં ગુરૂવારે (10 ઓક્ટોબર) કોર્પોરેટરના પીજીવીસીએલની કચેરીમાં હંગામો કરાયાનો કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો. આ પ્રકરણમાં ગઈકાલે (ગુરૂવાર) મોડી સાંજે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે હવે કોર્ટે કોર્પોરેટરને જેલ હવાલે મોકલવાનો આદેશ કર્યો છે.
કોર્ટે રચનાબેનને જેલ મોકલવાનો કર્યો હતો હુકમ
પોલીસે તેઓ પાસેથી બનાવના સમયે ઉપયોગમાં લીધેલો મોબાઇલ ફોન તેમજ લાકડાનો દંડો વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યા રચનાબેનને જેલમાં મોકલી દેવા હુકમ થયો હતો. આથી સીટી બી. ડિવિઝનની પોલીસ ટુકડીએ કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને જેલમાં મોકલી આપ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી સમયે પોલીસ સ્ટેશનના દ્વારે તેમજ જામનગરના કોર્ટના ગેટ પર રચનાબેનના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નાયબ ઈજનેરે નોંધાવી ફરિયાદ
જામનગરના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા પોતાને વધુ વીજ બિલ આવવાના મુદ્દે ગુરૂવારે સવારે વીજ તંત્રની કચેરીમાં દંડા સાથે જઈને હંગામો મચાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, તેમજ સમગ્ર કચેરીમાં વાતાવરણ તંગ બન્યું હતું. આખરે આ મામલો મોડી સાંજે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો અને સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની કચેરીના નાયબ ઈજનેર અજય પરમારની ફરિયાદના આધારે રચના નંદાણીયા સામે જૂદી-જૂદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ
કોર્પોરેટર રચના નંદાણીયા સામે બી.એન.એસ.ની કલમ 192, 353(1), 224, 226, 351(2), 324(2), 221, 309(4) તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(2)(5), 3(2)(5)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, રચના નંદાણીયાએ મીડિયા ગ્રુપમાં મેસેજ કરી પોતે જી.ઈ.બીમાં સાહેબોને દંડો લઈને મારવા જતા તેમજ અન્ય કોઈને આવવું હોય તેને આવે તેને આવવાની વાત કરી હતી.
શું બની હતી ઘટના?
પોલીસ ફરિયાદ મુજબ, રચના નંદાણીયાએ પોતાના મોબાઈલ ફોનમાં ફેસબૂકમા ઓનલાઈન થઈ મિડીયા કર્મચારીઓ તથા પોતાની સાથેના કિશનભાઈ નામના વ્યક્તિને સાથે લઈ પોતાના હાથમાં લાકડી લઈ પી.જી.વી.સી.એલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા એ. કે પરમાર કે જેઓ પી.જી.વી.સી.એલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ફરિયાદમાં લખાવેલા આોપ મુજબ, ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા છતાં ઓફિસના ચેમ્બરમાં જબરદસ્તી પ્રવેશ કરી, અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. આ ઉપરાંત લાકડી ઉગામી માર મારવાની ધમકી પણ આપી હતી. કોર્પોરેટરે અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પાસે પડેલો આશરે 10 હજાર રૂપિયાનો ફોન ઝૂંટવી લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ ફોનનો ઘા કરી તેને પછાડી નુકસાન કર્યું હતું. તેમજ જો પોલીસમાં ફરિયાદ કરશો તો જોઈ લઈશ તેવી ધમકી પણ આપી હતી. ફરિયાદમાં નોંધાવ્યું કે, આ દરમિયાન ફેસબુકના માધ્યમથી લોકોને દારૂ વેચવા, ડ્રગ્સ વેચવા તેમજ બે નંબરના કામ કરવા ગેરમાર્ગે દોરી જી.ઈ.બીના સ્માર્ટ મીટરો લગાડી વધારે બિલ આવવાનો આરોપી લગાવી ડિપાર્ટમેન્ટ વિરૂદ્ધ ઉશ્કેરણી કરી હતી. આટલું જ નહીં, પોતે આત્મહત્યા કરી લેવાની ધમકી આપી તેમજ સ્ટાફના કર્મચારીઓને ગુનાહિત બળ વાપરી કામ કરતાં અટકાવ્યા હતાં. જામનગરના ડી.વાય.એસ.પી વીરેન્દ્ર સિંહ ઝાલાને આ વિશે તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ જામનગર ક્રાઈમ બ્રાન્ચની અસરકારક કામગીરી : કરોડોની ઠગાઈમાં સંડોવાયેલા 11 આરોપીઓ ઝડપાયા
વીજ બિલ વધુ આવવાના મુદ્દે થયો હતો હોબાળો
વીજ તંત્રમાં રચનાના હોબાળા બાદ તેમના સમર્થકોનું ટોળું પણ પોલીસ મથકે પહોંચી આવ્યું હતું. જામનગરની પીજીવીસીએલની કચેરીમાં રચના નંદાણીયા દ્વારા વીજ બિલ વધુ આવવવાના મુદ્દે રોષ ઠાલવવાના પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વીજ તંત્રના જુદા જુદા યુનિયન સાથેની મોટી ટુકડી સિટી બી. ડિવિઝન પોલીસમાં પહોંચી હતી. જ્યાં રાતના લગભગ 10:30 વાગ્યા સુધી તમામ અધિકારીઓ રોકાયા હતાં.
પોલીસ સ્ટેશને ઉમટ્યું સમર્થકોનું ટોળું
આ સાથે જ વોર્ડ નંબર ચારના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા કે જેમણે જાતે સરેન્ડર કર્યું હતું અને પોલીસ જીપમાં બેસીને સિટી બી ડિવિઝન મથકમાં પહોંચ્યા હતાં. નંદાણીયાને મોડી રાત સુધી સિટી બી. ડિવીઝનના પોલીસ મથકમાં બેસાડવામાં આવ્યા હતાં. જેના કારણે તેમના સમર્થકોનું ટોળું મોડી રાત્રે પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયું હતું. જોકે, મોડેથી રચના નંદાણીયાને નોટિસ પાઠવીને ઘરે મોકલી દેવાયા હતાં અને આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.