જામનગરના દિગ્વિજય ગામના સરપંચ અને પૂર્વ સરપંચે વીજ કર્મચારીઓને આપી જાનથી મારી નાખવાની ધમકી
Threat To PGVCL Employee In Jamnagar: જામનગરના દિગ્વિજય ગામના સરપંચ અને ઉપસરપંચના ઘરે વીજ વોલ્ટેજ વધ ઘટ થતો હતો. આ મામલે વીજ કચેરીમાં ફરિયાદ બાદ ચેકિંગ માટે પહોંચેલી ટીમને સરપંચ અને ઉપસરપંચે ધાકધમકી આપી હતી. જેને લઈને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ઉપરાંત ચેકિંગમાં પહોંચેલી ટીમને સરપંચનાં ઘરમાંથી પાવર ચોરી થતી હોવાનું સામે આવતા 2 લાખ 18 હજાર રૂપિયાની વિજ ચોરીનું બિલ ફટકાર્યું હતું. જેથી આ પ્રકરણમાં એક તો ચોરી અને ઉપરથી સીનાજોરી જેવો ઘાટ ઘડાયો હતો.
મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લાનાં દિગ્વિજય ગામ સરપંચ રેખાબેન અને પૂર્વ સરપંચ જગદીશ ચૌહાણે વીજ કચેરીમાં ફોરન કરીને ઘરમાં વીજ વોલ્ટેજ વધ ઘટ થતો હોવાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન વીજ ઓફિસનાં કર્મચારીએ ફોનમાં જણાવ્યું હતું કે, થોડી વારમાં માણસો મોકલું છું. જ્યારે વીજ વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી તો ઉશ્કેરાયેલા જગદીશ ચૌહાણે પીજીવીસીએલના કર્મચારીઓને ધમકી આપી હતી અને ભગાડી દીધા હતા. જો કે, જગદીશ ચૌહાણ વીજ ચોરી કરતા હોવાનું સામે આવતા તેમની સામે ફરિયાદ દાખલ કરીને 2 લાખ 18 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
બીજી તરફ વીજ કર્મચારી કનુ ડામોર દ્વારા સિક્કા પોલિસ સ્ટેશમાં ફરજમાં રૂકાવટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસે સરપંચ અને પૂર્વ સરપંચ સામે ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.