કચ્છ-સૌરાષ્ટ્રમાંથી રૂ.271 કરોડની વીજ ચોરી ઝડપાઈ, PGVCLએ 4.74 લાખ વીજ જોડાણની કરી તપાસ
Electricity theft In Kutch-Saurashtr : ગુજરાતમાં વીજ ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)એ પોલીસની ટીમ સાથે રાખીને ગત નાણાકીય વર્ષ એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રના વિવિધ ગામડાંઓ-વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં PGVCLએ 271.01 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હોવાનું સામે આવ્યું છે.
રૂ.271.01 કરોડની વીજ ચોરી ઝડપાઈ
કચ્છ-સૌરાષ્ટ્રના ગામડાંઓ-વિસ્તારોમાં PGVCLની વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરો સહિતની ટીમ દ્વારા એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન કુલ 4,74,347 વીજ જોડાણોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી કુલ 63,198 વીજ જોડાણોમાં વીજ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આમ અંદાજીત રકમ રૂ.271.01 કરોડની ચોરી થઈ હતી.
આ પણ વાંચો: આંતકી હુમલા બાદ બોર્ડર પર ધમધમાટ, 438 પાકિસ્તાનીઓને ગુજરાતમાંથી અટારી સરહદે મોકલાયા
મળતી માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષમાં 1 કરોડથી વધુ રૂપિયા પાવરચોરીનું બિલ આવ્યું હોય તેવા પાંચ ગ્રાહકો મળી આવ્યા હતા. જેમાં ગોંડલ તાલુકાના શેમળા ગામમાં સ્પિનિંગ મિલના મીટરમાં ચેડા કરીને રૂ.2.41 કરોડ, કાનેર તાલુકાના લક્કડધાર ગામના ટાઈલ્સના યુનિટમાં મીટરમાં ચેડા કરીને રૂ.2.13 કરોડ, ભચાઉના માનફરા ગામના સિલિકા મેન્યુફેક્ચરિંગ યુનિટના વીજ જોડાણમાં મીટર બાયપાસ કરીને રૂ.1.65 કરોડ, ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં ઓઈલ ઇન્ડ.ના ઔદ્યોગિક હેતુના યુનિટમાં ટર્મિનલ સીલ સાથે ચેડા કરીને રૂ.1.16 કરોડ અને કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામના એન્જિનિયરીંગ વર્ક્સ યુનિટમાં મેગ્નેટનો ઉપયોગ કરીને રૂ.1.15 કરોડની વીજ ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું.