પેટલાદનો કુખ્યાત બુટલેગર મોહસીન સહિત 4 સાગરિતો અંતે ઝડપાયા
સપ્તાહમાં 25.61 લાખનો દારૃ મળ્યો
સંદેશર ચોકડીથી મોહસીન અને મુન્નો પકડાયા પેટલાદથી અન્ય બે શખ્સોની ધરપકડ કરાઈ
ખેડા-આણંદ : પેટલાદ શહેરના અલગ અલગ ચાર સ્થળોએથી ગત સપ્તાહે મળી આવેલા લગભગ ૨૫.૬૧ લાખના વિદેશી દારૃના જથ્થાના ગુનામાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર કુખ્યાત બુટલેગર મોહસીન સહિત ચાર શખ્સોને આણંદ એલસીબી પોલીસે સંદેશર ચોકડી તથા પેટલાદ ખાતેથી ઝડપી પાડયા હતા.
પેટલાદ શહેર પોલીસ મથકના કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી તા. ૨૪મી ડિસેમ્બરે દારૃ ભરેલી ૨૦ પેટી આણંદ એલસીબીએ ઝડપાઈ હતી. બાદમાં સપ્તાહ દરમિયાન પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે ૨૫.૬૧ લાખથી વધુની કિંમતનો દારૃનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. ત્યારે મુખ્ય સુત્રધાર કુખ્યાત બુટલેગર મોહસીન મિયા લિયાકતમિયા ઉર્ફે એલ કે મલેક સહિત તેના સાગરીતો મોઈન મિયા મુનાફ મિયા મલેક, તોસીફ ઉર્ફે રાજુ અનવર મિયા મલેક, સાજીદ ઉર્ફે અરબડી ડોસુખાન પઠાણ અને સોયેબ અલી મુખતિયારઅલી સૈયદના નામ ખુલતા તેમના વિરૃદ્ધ ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન મુખ્ય સૂત્રધાર મોહસીન મિયા મલેક અને સિદ્ધિકોદિન ઉર્ફે મુન્નો કાજીને સંદેશર ચોકડીએથી ઝડપી પાડયા હતા.
બાદમાં પેટલાદ ખાતે છાપો મારી તોસીફ ઉર્ફે રાજુ મલેક અને મોઇનમિયા મુનાફ મિયા મલેકને પણ ઝડપી પાડયા હતા.