પરફોર્મિંગ આર્ટસનો વિદ્યાર્થી ચીનમાં એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
પરફોર્મિંગ આર્ટસનો વિદ્યાર્થી  ચીનમાં  એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે 1 - image

વડોદરાઃ ચીનના હાંગઝાઉ ૧૯મી એશિયન ગેમ્સ રમાવાની છે.જેની ઓપનિંગ સેરેમનીમાં એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનો વિદ્યાર્થી વેદ પ્રજાપતિ લાઈવ પરફોર્મન્સ આપશે.આ સેરેમની માટે ભારતમાંથી પસંદ થયેલો એક માત્ર કલાકાર છે.

મૂળે ઉત્તર ગુજરાતના કડી કલોલનો રહેવાસી વેદ પ્રજાપતિ છેલ્લા ચાર વર્ષથી પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના તબલા વિભાગમાં અભ્યાસ કરે છે.પહેલા બેચલરની ડિગ્રી લીધા બાદ તે અત્યારે માસ્ટર ડિગ્રીમાં ભણી રહ્યો છે.યુ ટયુબ અને બીજા સોશિયલ મીડિયા પર પણ તે અવાર નવાર પોતાનુ પરફોર્મન્સ રેકોર્ડ કરીને અપલોડ કરતો હોય છે.વેદે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઓપનિંગ સેરેમની માટે એશિયાના અલગ અલગ દેશોના સંગીતની ઝલક આપતુ ૧૦ થી ૧૨ મિનિટનુ એક ગીત તૈયાર કરવામાં આવ્યુ છે.આ માટે આયોજકોએ યુ ટયુબ અને સોશિયલ મીડિયાના આધારે મારા સહિત દેશના ૧૦ કલાકારોનો સંપર્ક કર્યો હતો.જેમાંથી ૩ કલાકારોને શોર્ટ લિસ્ટ કરાયા હતા અને અંતે મારી પસંદગી કરાઈ હતી.

વેદને ૨૦ દિવસ પહેલા આ ગીતના રેકોર્ડિંગ માટે ઈન્ડોનેશિયા બોલાવવામાં આવ્યો હતો.વેદનુ કહેવુ છે કે, મેં આ ગીતમાં તબલા અને દરબૂકા નામનુ એક અરેબિક  વાદ્ય વગાડયુ છે.અલગ અલગ દેશના કુલ આઠ કલાકારોએ આઠ વાજિંત્રો સાથે આ ગીતનુ રેકોર્ડિંગ કર્યુ હતુ.આ જ ગીતનુ તા.૨૩ સપ્ટેમ્બરે અમે ઓપનિંગ સેરેમનીમાં લાઈવ પરફોર્મન્સ આપવાના છે.જેમાં હું તબલા અને દરબૂકા વગાડીશ .સમગ્ર ગીતના બીટ્સ પણ મેં જ આપ્યા છે.આ સેરેમની પહેલા અમારુ રીહર્સલ ૧૯ સપ્ટેમ્બરથી શરુ થશે.હું ચીન જવા માટે આવતીકાલે રવાના થઈશ.મને આનંદ છે કે, હું આ પરફોર્મન્સમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરવાનો છું.મારુ માનવુ છે કે, મહેનત કરતા રહીએ તો સફળતા મળતી હોય છે.તબલાના અભ્યાસમાં પણ મને અમારા વિભાગના સિનિયર પ્રોફેસર ગૌરાંગ ભાવસાર અને કદમ મુકાદમનુ સતત માર્ગદર્શન મળતુ રહ્યુ છે.


Google NewsGoogle News