દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો
Surat : સુરત પાલિકા દ્વારા સતત બીજા દિવસે ગંદકીવાળી જગ્યાએ બનતી પાણીપુરી સામે કાર્યવાહી કરવામાં આવી. શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે પાલિકાના દરોડા દરમિયાન કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ આક્ષેપ લગાવ્યો કે, પાલિકા કોઈ પણ જાતના સેમ્પલ લીધા વિના પાણીપુરીનો નાશ કરી રહી છે. રોષે ભરાયેલા પાણીપુરી બનાવતા લોકોએ પાલિકાના અધિકારીઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે ‘અહીં નજીકમાં જ દારુના અડ્ડા ચાલે છે ત્યાં દરોડા કેમ નથી પડાતા? અને રોજનું કમાઈને રોજ ખાતા પાણીપુરીવાળાને ત્યાં દરોડા પાડી તેમને હેરાન કરો છો.’
દારુના અડ્ડા ચાલે છે ત્યાં દરોડા કેમ નથી પડતા?
સુરત પાલિકાએ આજે સતત બીજા દિવસે પાણીપુરીવાળાને ત્યાં દરોડા પાડી બિન આરોગ્યપ્રદ જગ્યાએ બનતી અખાદ્ય પાણીપુરી જપ્ત કરવા સાથે કાર્યવાહી યથાવત રાખી હતી. પાંડેસરા વિસ્તારમાં ગંદકીથી ખદબદતી ઝુંપડપટ્ટીમાં દરોડાની કામગીરી શરૂ થઈ અને અખાદ્ય પાણીપુરીનો નાશ કરાયો, ત્યારે કેટલાક પાણીપુરી બનાવવાવાળા ભેગા થઈ ગયા હતા.પાલિકાની કામગીરી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ખાદ્ય સામગ્રીના કોઈ સેમ્પલ લીધા વગર જ પાણીપુરી સહિતની સમગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે.
પાલિકાએ તમામ આક્ષેપો ફગાવ્યા
જોકે, આવા આક્ષેપ છતાં પણ પાલિકાએ દરોડાની કામગીરી ચાલુ રાખી અને અખાદ્ય પાણીપુરીનો જથ્થો નાશ કર્યો હતો. પાલિકાના અધિકારીઓએ દાવ્યો કર્યો હતો કે, 'અખાદ્ય હોય તેવા પદાર્થનો નાશ કરવામા આવે છે'. મહત્ત્વનું છે કે સુરત શહેરના કેટલાક વિસ્તારામાં રોગચાળો વકર્યા બાદ પાલિકા સફાળી જાગી છે, અને મોટી હોટલો, રેસ્ટોરન્ટ કે નામચીન એકમોને બદલે પાણીપુરી કે પેપ્સી બનાવતા કે વેચતા નાના ધંધાર્થીઓને ત્યાં તપાસ શરૂ કરી છે. આવી જ કામગીરી મોટા એકમો પર કરવામાં આવે તે પણ જરૂરી હોવાનું કેટલાક લોકોનું કહેવું છે.