વડોદરાને 'પાણી વગર'નું કરી દેવાની વિચારધારા સામે લોકોમાં રોષ
નિષ્ણાતોની સલાહ કે સૂચન વગર જ 29 તળાવોમાંથી કરોડો લીટર પાણી ખાલી કરી દેવાનો એક તરફી નિર્ણય લેવાયો
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશનના બુધ્ધિહિન શાસકો અને અધિકારીઓએ નિષ્ણાતોની સલાહ, સૂચન વગર જ શહેરના ૨૯ તળાવોમાંથી કરોડો લીટર પાણી ખાલી કરવાનો નિર્ણય લઇને તેનો અમલ પણ શરૃ કરી દીધો છે. કહેવાય છે કે મુર્ખ લોકો તરંગી વિચારોનો અમલ ક્ષણનોય વિચાર કર્યા વગર જ કરી દે છે અને તે પ્રકારની સ્થિતિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળી રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે હજુ તો આખો ઉનાળો બાકી છે અને તેવા સમયે જ શહેરને પાણી વગરનું કરી દેવાની આતંકીવિચારધારા કોના કહેવાથી અમલમાં મુકવામાં આવી છે તેનો જવાબ પ્રજા માગી રહી છે. પોતાના અંગત સ્વાર્થ માટે પ્રજાને મુશ્કેલીમાં મુકનાર વડોદરાના શાસકો સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે ઘરમાં પાણીની ટાંકી સાફ કરવી હોય તો પણ પાણી ખાલી થઇ જાય પછી કરવામાં આવે છે. નવા તળાવો બનાવવાની તો કોઇ શાસકો કે વહીવટી તંત્રની હેસિયત નથી પરંતુ જે તળાવો સલામત છે તેમાં કુદરતે આપેલુ પાણી ખાલી કરી નાંખવાનો ક્યા 'જડ મગજ'ની ઊપજ છે ? તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
કેટલાક વિસ્તારોમાં તો ટીડીએસની માત્રા ૨,૫૦૦ ઉપર છે. ભૂગર્ભજળમાં ફ્લોરાઇડના પ્રમાણમાં પણ વધારો નોંધાતા કિડની, હાડકાના રોગનું જોખમ
'વડોદરાના ભૂગર્ભજળની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ટીડીએસની માત્ર ખુબ ઊંચા પ્રમાણમાં છે અને હવે તો ભૂગર્ભજળમાં ફ્લોરાઇડનું પણ જોખમી પ્રમાણ મળી આવ્યુ છે. ફ્લોરાઇડનાકારણે કિડનીના રોગ, હાડકાના રોગ અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડરમાં વધારો થાય છે.આવા સમયે તળાવો ખાલી કરવાનો નિર્ણય આશ્ચર્યજનક છે' તેમ વડોદરાના ઇકોલોજિસ્ટ ડો.દીપા ગવલીએ કહ્યું હતું.
ડો.ગવલીનું કહેવું છે કે 'પાણીની ગુણવત્તા ટી.ડી.એસ.(ટોટલ ડિઝોલવ્ડ સોલિડ- પાણીમાં ઓગળેલા ઘનપદાર્થો)ના માપથી થાય છે. સામાન્ય રીતે પીવાના પાણીમાં ૫૦૦ ટીડીએસ (પીપીએમ -પાર્ટસ પર મિલિયન) હોવુ જોઇએ તેના બદલે વડોદરામાં એવરેજ ૧,૦૦૦ થી ૧,૫૦૦ ટીડીએસ જોવા મળે છે. ભાયલી જેવા વિસ્તારમાં તો આ માત્રા ૨,૫૦૦ જેટલી છે. જો તળાવ ખાલી કરવામાં આવશે તો ભૂગર્ભજળ ખાલી થઇ જશે અને ટીડીએસની માત્રા ૨,૦૦૦થી ઉપર જતી રહેશે. ૫૦૦થી ઉપર ટીડીએસ હોય ત્યારે પાણી પીવા લાયક નથી રહેતું. વડોદરાના ભૂગર્ભ જળમાં હાલમાં પણ ફ્લોરાઇડનું પ્રમાણ જોખમી છે. સામાન્ય રીતે ૧ થી ૧.૫ મિલિગ્રામ પર લીટર હોવુ જોઇએ તેના બદલે ભાયલીમાં ૩, અટલાદરામાં ૨.૬, સયાજીગંજમાં ૨.૧, સમા વિસ્તારમાં ૨.૪ અને હરણીમાં ૨.૧ જેટલુ છે. આખા વડોદરાના ભૂગર્ભજળમાં ફ્લોરાઇડનુ પ્રમાણ સરેરાશે ૨થી વધુ છે. તળાવોનું પાણી જમીનમાં નહી ઉતરે તો ભૂગર્ભજળ વધુ ખરાબ થશે અને ફ્લોરાઇડનું પ્રમાણ પણ વધી જશે.'
તળાવો ખાલી કરવાથી બોરના પાણી ઊંડા જશે અને ઉનાળામાં 10 લાખ લોકો પાણી માટે વલખા મારશે
'સામાન્ય બુધ્ધિને પણ સમજમાં આવે એવો મુદ્દો એ છે કે તળાવો જો ખાલી કરવામાં આવશે તો ભૂગર્ભજળ રિચાર્જ નહી થાય અને વડોદરામાં આવેલા બોરમાંથી પાણી ખાલી થઇ જશે. વડોદરામાં ૪૫ ટકા વસતી માટે પાણીનો આધાર બોર જ છે. જો બોર ખાલી થઇ જાય તો ઉનાળામાં વડોદરામાં ૧૦ લાખથી વધુ લોકો પાણી માટે વલખા મારશે. વર્ષ ૨૦૧૯-૨૦માં જ્યારે સૂરસાગર તળાવ ખાલી કરાયુ હતું ત્યારે આસપાસના વિસ્તારના ૮૦ બોરમાં પાણી ખાલી થઇ ગયુ હતુ અને બોર ઊંડા કરવા પડયા હતા.'
પાણી ખાલી કરવાનો વિચાર ખાલી મગજની ઉપજ છે,પાણીનો વેડફાટ કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવો જોઇએ
પર્યાવરણ સુરક્ષા સમિતિના આગેવાન રોહિત પ્રજાપતિ સાથે આ બાબતે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'વરસાદના પાણીથી ભરાયેલા તળાવો હકિકતે ગ્રાઉન્ડ વોટરને સુધારો કરી રહ્યા છે. તળાવનું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે તેના કારણે ભૂગર્ભજળનું સ્તર ઉપર આવે છે. તળાવોનું પાણી ખાલી કરવામાં આવે તો જમીનમાં પાણી ઉતરવાનું બંધ થશે અને ભૂગર્ભજળની સ્થિતિ વધુ ખરાબ થશે. પાણી ખાલી કરવાનો વિચાર ખાલી મગજની ઉપજ છે. પાણીનો વેડફાટ કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાની મ્યુનિસિપલ એક્ટમાં ભલામણ છે. અહી તો સ્વયં મ્યુનિસિપલ કોર્પોરેશન જ કરોડો લીટર પાણીનો વેડફાટ કરી રહ્યું છે તો જવાબદાર સામે તુરંત ફોજદારી ગુનો દાખલ થવો જોઇએ. પાણી કુદરતી સંપદા છે કોઇ અધિકારી કે ચૂંટાયેલા નેતાની પૈતૃક સંપત્તિ નથી.
તળાવો ખાલી કરવાની જરૃર નથી ફક્ત આટલુ કરો
પર્યાવરણ સુરક્ષા સમિતિએ કરેલા સૂચનો
- તળાવોની અંદર પડેલ કન્સ્ટ્ર્ક્શન વેસ્ટ અને શહેરનો અન્ય કચરો ઉલેચીને તળાવો ઊંડા કરો.
- તળાવોની ફરતે થયેલા દબાણો દૂર કરીને તળાવોને તેની મૂળ સ્થિતિમાં પાછા લાવો
- વડોદરામાં આવેલા તળાવો વચ્ચેની ઇન્ટરલિંક ચેનલ (કુદરતી વરસાદી કાંસ જે એક તળાવથી બીજા તળાવને જોડે છે) ઉપરના દબાણો દૂર કરીને તળાવો વચ્ચેનો સંબંધ પુનઃ જીવીત કરો
- તળાવો સાથે નદીનું જોડાણ ફરીથી સ્થાપિત કરો.