Get The App

સરકારી અનાજ નહી મેળવતા કાર્ડ હોલ્ડરો e KYC કરાવવા ઉદાસ

અનાજ લેતા રેશનકાર્ડ ધારકોનું ૬૦ ટકા જ્યારે અનાજ ના લેતા હોય તેવા રેશનકાર્ડ ધારકોનું માત્ર ૧૯ ટકા ઇ કેવાયસી

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
સરકારી અનાજ નહી મેળવતા કાર્ડ હોલ્ડરો e KYC કરાવવા ઉદાસ 1 - image

વડોદરા, તા.5 સરકાર દ્વારા રેશનકાર્ડ ધરાવતા દરેક લોકોનું ઇ કેવાયસી શરૃ કરતાંની સાથે જ વિવિધ સરકારી કચેરીઓમાં નાગરિકો ઇ કેવાયસી કરાવવા દોડી રહ્યા છે. વડોદરામાં લાખો રેશનકાર્ડ ધરાવતા લોકોની ઇ કેવાયસી કરાવવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે. સરકારી અનાજ મેળવતા લોકોનું ઇ કેવાયસીની સરખામણીમાં સરકારી અનાજ નહી લેતા એટલે કે નોન એનએફએસએ (નેશનલ ફુડ સિક્યુરિટિ એક્ટ) કાર્ડ ધરાવતા લોકો ઇ કેવાયસી કરાવવા માટે ખૂબ આળશ રાખી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર તેમજ જિલ્લામાં રેશનકાર્ડ પરથી અનાજ સહિતનો પુરવઠો લેતા હોય તેવા ૨.૬૪ લાખ જેટલા રેશનકાર્ડ છે જ્યારે રેશનકાર્ડ પર જથ્થો ના મેળવતા હોય તેવા ૫.૨૪ લાખ રેશનકાર્ડ છે. આ તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ કેવાયસી કરાવવું જરૃરી છે. રાજ્ય સરકાર દ્વારા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા શરૃ કરવાની સાથે લોકોમાં તે વાત ફેલાતા લોકો પુરવઠા કચેરીની ઝોનલ ઓફિસમાં દોડતા લાંબી કતારો લાગતા અન્ય સ્થળોએ પણ ઇ કેવાયસીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એટલું જ નહી પરંતુ લોકો ઘેર બેઠા પણ આ પ્રક્રિયા કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રેશનકાર્ડ ધારકોએ ઇ કેવાયસી એટલે કે આધારકાર્ડ તેમજ મોબાઇલ નંબર લિંક કરવાનો છે જેનાથી સરકારની ૧૪ થી વધુ યોજનાઓનો લાભ લેવા માટે અલગ અલગ કેવાયસી કરાવવાની જરૃર ના રહે. રેશનકાર્ડ પર અનાજ ના લેતા હોય તેવા રેશનકાર્ડધારકોએ પણ ઇ કેવાયસી કરાવવું જરૃરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં ફેમિલી આઇડી બનાવવાના સંભવિત પ્રોજેક્ટના ભાગરૃપે ઇ કેવાયસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે.

વડોદરા શહેર અને જિલ્લામાં અનાજ મેળવતા એનએફએસએ કાર્ડમાં કુલ ૧૩.૪૫ લાખ લોકો નોંધાયા છે જે પૈકી તા.૨ જાન્યુઆરી સુધીમાં ૮ લાખથી વધુ લોકોએ ઇ કેવાયસી કરાવી લીધું છે એટલે કે એનએફએસએ કાર્ડધારકોના ઇ કેવાયસીની ટકાવારી ૬૦ ટકા જેટલી છે. જ્યારે રેશનિંગનું અનાજ ના લેતા હોય તેવા નોન એનએફએસએ કાર્ડહોલ્ડરો ઇ કેવાયસી કરાવવા માટે ઉદાસ જણાયા છે. ૨૧.૧૭ લાખ સભ્યોમાંથી માત્ર ૪ લાખ જેટલા સભ્યોએ જ ઇ કેવાયસી કરાવ્યું છે એટલે કે માત્ર ૧૯ ટકા જ ઇ કેવાયસીની પ્રક્રિયા પૂરી થઇ છે.




Google NewsGoogle News