ન ઘરના ન ઘાટના : લાખોનો ખર્ચો અને દેવું કરી ગેરકાયદે અમેરિકા ગયા હતા, ડંકી રુટના દલાલો પણ ભૂગર્ભમાં
Deported From America: સેન્ટ એન્ટોનિયોથી લશ્કરી વિમાન C-17માં મોકલાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ છે જે અમદાવાદ આવી ગયા છે. મળેલી માહિતી અનુસાર 'ડન્કી રૂટ'થી ગયેલા આ ગેરકાયદે ગુજરાતીઓની સ્થિતિ ના ઘરના ના ઘાટના જેવી થઈ છે. જે ગામોમાં અમેરિકામાં હોવું એ મોભો ગણાય છે ત્યાં હવે હાથમાં બેડી પહેરીને પરત આવવાની સ્થિતિ ઘણી અસહ્ય પણ છે.
રૂ.60 લાખ ખર્ચીને ડન્કી રૂટથી અમેરિકા ગયેલા
ગુજરાતમાંથી ડન્કી રૂટથી જવાનો ભાવ છેલ્લા પાંચ વર્ષથી રૂ.60 લાખ ચાલી રહ્યો છે ત્યારે આટલી માતબર રકમ ખર્ચીને ગેરકાયદે ગયેલા યાત્રિકોનો તમામ ડેટા ભારતીય સુરક્ષા એજન્સીઓને અમેરિકન સુરક્ષા એજન્સી દ્વારા સુપરત કરવામાં આવ્યો છે.
દેવું કરીને બોર્ડર ક્રોસિંગના જોખમે અમેરિકા પહોંચ્યા
જો કે હાલમાં તેમની સામે કોઈ કડક પગલાં લેવાશે કે નહીં તે અંગે ભારત સરકારે નિર્દેશ કર્યો નથી. પરંતુ છેલ્લા લાંબા સમયથી અમેરિકામાં લાખો રૂપિયા ખર્ચીને ગયેલા મોટા ભાગના આર્થિક સંકડામણને કારણે અહીંથી દેવું કરીને બોર્ડર ક્રોસિંગના જોખમે અમેરિકા પહોંચ્યા હતા.
ટ્રમ્પ સરકાર દ્વારા ગેરકાયદેસર માઈગ્રેન્ટ પર કડક પગલા લેવાયા
અમેરિકન સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલમાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ ન ધરાવતા નાગરિકોને પકડવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના સત્તા પર આવીને ગેરકાયદેસર માઈગ્રેન્ટ પર લેવાયેલા કડક પગલાં બાદ કડી - કલોલ વિસ્તારના, આણંદના કેટલાંક ગામો અને ભરૂચ જિલ્લાના કેટલાંક ગામોમાં ગેરકાયદે અમેરિકા મોકલતા દલાલોમાં સોંપો પડી ગયો છે.
કેટલાક ગામોમાં દર વર્ષે પારિવારિક આયોજનથી અમેરિકા મોકલવામાં આવતા
મળતી માહિતી પ્રમાણે આવેલા 104 નાગરિકોમાંથી મોટા ભાગના લોકો ન્યૂજર્સી, ન્યૂ યોર્ક, કેલિફોર્નિયા, ટેક્સાસ અને ઈલિનોઈથી પકડાયા છે. ગુજરાતમાં સૌથી વધુ ‘બે નંબર’માં જવા માટે કડી-કલોલના કેટલાંક ગામોમાં દર વર્ષે પારિવારિક આયોજનથી અમેરિકા મોકલવાનો સતત સિલસિલો ચાલુ હતો. ઘણા પરિવારોમાં તો કિશોરાવસ્થાથી જ તેના સગાવ્હાલા દ્વારા અમેરિકાથી પૈસા મોકલીને પણ તેને ગેરદાયદેસર સેટલ કરવાની પાંચ વર્ષ પહેલાંથી જ વ્યવસ્થા કરવામાં આવતી હતી.