ભરૂચમાં લોકોએ મંત્રીને ઉધડો લીધો, તમારી ચાપલૂસી અમને ભારે પડી જુઓ, ચારેકોર તબાહી મચી ગઇ છે
મંત્રી મહાશય ગમબુટ પહેરીને ફરતાં નજરે પડતાં લોકોના રોષનો ભોગ બન્યા
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમમાંથી એકસામટુ ૧૮ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ હતું પરિણામે ભરૂચ-અંકલેશ્વર સહિત નદી કાંઠાના ગામડાઓ જળમગ્ન થયા હતાં. એટલુ જ નહી, પાંચેક મકાનો-દુકાનોમાં પાણી ભરાતાં લોકોને ભારે નુકસાન પહોચ્યુ છે. પૂર અસરગ્રસ્ત ભરૂચ શહેરની મુલાકાતે ગયેલા મંત્રી કુંવરજી હળપતિને લોકોએ ઘેર્યા હતાં. એટલુ જ નહીં, મંત્રી નો રીતસર ઉધડો લીધો હતો. લોકોએ આક્રોશ ઠાલવ્યો કે, તમારી ચાપલૂસી તો અમને ભારે પડી છે. જુઓ, ભરૂચ શહેરમાં ચારેકાર તબાહી મચી ગઇ છે.
અસરગ્રસ્તોએ રોકડું પરખાવ્યું, સરકારે જ નુકસાન કર્યુ છે ને હવે પૂછવા આવ્યા છોઃ ઘર- દુકાનોમાં જઇને જુઓ, કેવી હાલત છે
કૃત્રિમ પૂરના પાણી ઓસર્યા બાદ લોકોમાં સરકાર પ્રત્યે ગુસ્સો આસમાને પહોંચ્યો છે. અસરગ્રસ્ત ભરૂચ શહેરમાં ધોળીકુઇ અને દાંડીયાબજારની મુલાકાતે પહોંચેલાં મંત્રી કુંવરજી હળપતિએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડયો હતો. લોકોએ મંત્રી હળપતિ રોકડુ પરખાવ્યું કે, તમારી સરકારે જ નુકશાન પહોંચ્યુ છે અને હવે તમે જ પૂછો છો. લોકોના ઘર અન મકાનોમાં જઇને જુઓ, ખબર પડશે કેવી હાલત છે. ઘણાં વેપારીઓએ એવુ કહ્યુંકે, અમે તો પૂરના પાણીમાં પલડેલો-બગડેલો માલ ફેંકી દીધો છે. પાંચ લાખનુ નુકશાન થયુ છે. હવે નુકશાનનો સર્વ કરવા આવશે? નુકશાનનો માલ ફેંકી દેવાયા બાદ તમે આવ્યાં છો.સરકાર એક રૂપિયો ય નહી આપે.ઘણાઁ અસરગ્રસ્તોએ મંત્રી સમક્ષ એવો આક્રોશ ઠાલવ્યોકે, હજુ સુધી કચરો સાફ કરવા કોઇ આવ્યુ નથી. અમારે કાદવ કીચડ સાફ કરવાનો વારો આવ્યો છે. કોઇ સરકારી અધિકારી પૂછવા સુધ્ધાં આવ્યો નથી. એક સ્થાનિક રહીશે તો રોષ ઠાલવ્યોકે, મંત્રી તો ગાડીમાંથી બહાર આવવા જ રાજી નથી. તો પછી શા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં આવવાની જરૂર ખરી?
લોકોના ગુસ્સો જોઇને મંત્રીએ બધાને શાંત પાડવા કોશિશ કરી હતી પણ લોકો શાંત રહ્યા ન હતાં. જોકે, પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રી કુંવરજી હળપતિએ એવો ઉડાઉ જવાબ આપ્યોકે, મુખ્યમંત્રીની કોઇ જવાબદારી થતી નથી. જાણીબૂઝીને નર્મદા ડેમમાંથી પાણી છોડાયુ નથી. પાણીની આવક જોતા પાણી છોડવુ જરૂરી હતુ. જેમને નુકશાન થયુ છે તેમને વળતર મળી જશે. આ તો વિપક્ષ કાગારોળ કરે છે. દુષ્કાળ પડે કે પછી પાણી આવે. સરકાર પર આક્ષેપ કરવામાં આવે છે. આમ, નર્મદા ડેમમાં પાણી છોડવાના મામલે હવે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ જામ્યુ છે.
ધારાસભ્યને ગાળો સંભળાવી વીડિયો વાઇરલ
લોકોએ રોષ ઠાલવતાં મંત્રી અને નેતાઓએ ત્યાંથી ચાલતી પકડી હતી. ત્યારબાદ પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પુનઃ દાંડિયા બજાર વિસ્તારમાં પહોંચતાં તેઓ લોકોના આક્રોશનો ભોગ બન્યા હતાં. રોષે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રીના નામની ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
મંત્રી ગમબુટ પહેરી મુલાકાતે પહોંચ્યા, સફાઈ સેવકો સેફ્ટી સાધનો વિનાના
ભરૂચના દાંડિયા બજાર સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રી કુંવરજી હળપતિ મુલાકાતે ગયા ત્યારે તેમણે ઘુંટણ સુધીના ગમબુટ પહેર્યા હતાં. જ્યારે આ વિસ્તારમાં સફાઈ કરી રહેલા સફાઈ સેવકો ગમબુટ કે માસ્ક વિના કોઈ પણ જાતની સુરક્ષાના સાધનો વિના પૂરથી થયેલા કાદવ કીચડની સફાઈ કરતાં હતાં. મંત્રીને માત્ર અડધો કલાક આ વિસ્તારની મુલાકાત લેવાની હતી, જ્યારે સફાઈ સેવકો ગઈકાલથી આખો દિવસ ગંદકી સાફ કરતાં હતાં, છતાં તેમને ગમબુટ કે અન્ય સવલતો અપાઈ નહોતી. જ્યારે મંત્રી મહાશય ગમબુટ પહેરીને ફરતાં નજરે પડતાં લોકોના રોષનો ભોગ બન્યા હતાં. ભરૂચના પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાતે પહોંચેલા રાજ્યના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સહિતના નેતાઓના કાફલાને પૂર પીડિતોના રોષનો ભોગ બનવું પડયું હતું.