સુરતના છેવાડે આવેલા ઈચ્છાપોરની ટ્રાફિક સમસ્યા પ્રતિનિધિઓને યાદ આવી : મંત્રી સહિત અનેક નેતાઓ સ્થળ પર પહોંચ્યા
Surat : સુરત પાલિકાના છેવાડે આવેલા ઈચ્છાપોર જંકશન પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા છે. આ વિસ્તાર નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે વચ્ચે આવતો હોવાથી ટ્રાફિક સમસ્યાનો હલ આવતો નથી. જેના કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે તેથી લોકોમાં ભારે રોષ છે આજે ગુજરાતના વન મંત્રી અને ધારાસભ્ય સહિત નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને સાથે રાખીને એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ત્રણેય વિભાગના અધિકારીઓને હજીરાના રસ્તાઓની હદ અને જવાબદારીઓ સ્પષ્ટ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. જેમાં સંકલન કરીને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુચના પણ આપી દેવામા આવી છે.
સુરત શહેર અને હજીરાના ઔદ્યોગિક એકમો વચ્ચે શહેરના છેવાડે ઈચ્છાપોર વિસ્તાર આવ્યો છે. આ વિસ્તારમાં સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે અને સુરત પાલિકાના રસ્તાનો સમાવેશ થાય છે તેના કારણે એક બીજા પર જવાબદારી નાખવામાં આવતી હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અહીની ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો સાથે સાથે આ વિસ્તારના લોકોની મુશ્કેલી વધી રહી છે. વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પ્રકારનો હલ આવતો ન હોવાથી વાહનચાલકો સાથે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગેની ફરિયાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલને મળતાં તેઓ આજે ઓએનજીસી બ્રિજ નજીક આવેલા ટ્રાફિક સમસ્યા વાળા વિસ્તારમાં પહોંચ્યા હતા.
મંત્રી મુકેશ પટેલે સ્થળ પર જ નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ મંત્રીએ નોટિફાઇડ એરીયા પ્રમુખ તેમજ ત્રણેય વિભાગોના અધિકારીઓને હજીરાના રસ્તાઓની હદ અને જવાબદારીઓ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ત્રણેય વિભાગના અધિકારીઓ વચ્ચે પરસ્પર સંકલન કરી ઝડપી રોડની કામગીરી પૂર્ણ કરવા અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. ઈચ્છાપોર ચાર રસ્તા નજીક થતાં ટ્રાફિક જામની સમસ્યા દુર કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.