વડોદરામાં ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન, રહીશોનો વોર્ડ ઓફિસે હલ્લાબોલ
Dirty Water Protest : વડોદરાના શહેરીજનોને હજી વિશ્વામિત્રીની પૂરના સપના આવે છે અને કેટલીય જગ્યાએ હજી સાફ-સફાઈ પૂરતા પ્રમાણમાં થઈ નથી, ત્યારે વોર્ડ નં.7ની સામે આવેલા માળી મહોલ્લામાં છેલ્લા વીસેક દિવસથી છેલ્લા દિવસથી સતત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોએ આજે વિશ્વામિત્રી બચાવો સમિતિના નેજા હેઠળ અસંખ્ય સ્થાનિક લોકોએ વોર્ડ ઓફિસ સામે હલ્લાબોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આવા ગંદા પાણીના કારણે સ્થાનિક ત્રણ વ્યક્તિના મોત નીપજયાનો આક્ષેપ કરાયો છે અને હાલમાં પણ પાણીજન્ય રોગના કારણે ચારથી પાંચ વ્યક્તિઓ પણ બીમાર થઈને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર સાતની ઓફિસ સામે આવેલા માળી મહોલ્લામાં છેલ્લા વીસેક દિવસથી પીવાનું ગંદુ પાણી મળી રહ્યું છે. આ અંગે સ્થાનિક વોર્ડ કચેરીએ વારંવાર રજૂઆતો કરી હતી ઉપરાંત વિસ્તારના ચારેય સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર કરેલા ફોન કોઈ ઉપાડતા નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ વિસ્તારની જૂની પાણીની લાઈન બદલીને નવી લાઈન નાખવાનો છે. આમ છતાં વોર્ડ કચેરી અને સ્થાનિક કોર્પોરેટરોના બહેરા કાને કોઈ વાત સંભળાતી નથી. સ્થાનિક કોર્પોરેટરો કે પછી વોર્ડ કચેરીના અમલદારો ફોન ઉપાડીને વાત કરવા પણ તૈયાર નથી. પરિણામે હેરાન પરેશાન થઈને વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી સંજય વાઘેલા તથા અન્યની આગેવાનીમાં સ્થાનિક 100 જેટલા રહીશોએ હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ ગંદા પાણીનો આવો જ પ્રશ્ન હોવાના કારણે બીમાર પડેલા ત્રણ વ્યક્તિના મોત થયાના આક્ષેપો કરાયા છે. જ્યારે આ વખતે પણ ચારથી પાંચ જણા પાણીજન્ય રોગચાળામાં ફસાઈને બીમાર પડતા સારવાર લઈ રહ્યા છે.