મડદાથી પણ અભડાય છે લોકો!, જ્ઞાતિવાદના કારણે મહિલાનો મૃતદેહ બે દિવસ સુધી ઘરમાં જ પડ્યો રહ્યો
મૃત મહિલાની અંતિમવિધિ અટકાવવાનું કારણ માત્ર મહિલાની જ્ઞાતિ હતી
નાયક પરિવારની મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મૃત્યુ થયું હતું
Panchmahal Casteism: આપણે બધા હાલ 21મી સદીમાં જીવી રહ્યા છે અને વિજ્ઞાન ક્ષેત્રે નવી નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. ભારત આજે ચાંદ પર પહોંચી ગયું છે. સરકાર દેશના વિકાસ માટે કામ કરી રહી છે. દેશમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ અને લોકોને પોતાની જરૂરિયાતો મળી રહી છે. પરંતુ અમુક પાયાની બાબતોને લઈને હજુ પણ પછાત છે. જે જૂના જમાનાની વર્ણવ્યવસ્થા, જાતિવાદને લઈને ભારતનો લોકો પીડાઈ રહ્યા છે. જેની શર્મનાક ઘટના પંચમહાલ જિલ્લામાં સામે આવી છે. ઘોઘંબાના કંકોડાકોઈ ગામે જાતિવાદનો ભેદભાવ કરીને કેટલાક લોકો દ્વારા અંતિમવિધિ અટકાવી હતી.
મૃતદેહને બે દિવસ ઘરમાં રાખવો પડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર,કંકોડાકોઈ ગામના નાયક પરિવારની મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મૃત્યુ થયું હતું. જેથી અંતિમવિધિ માટે તેમના વતન કંકોડાકોઈ ગામે લાવવામાં આવ્યા હતા. જોકે ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવાની ગામના કેટલાક લોકો દ્વારા મનાઈ કરવામાં આવતા મૃતદેહને બે દિવસ ઘરમાં રાખવો પડ્યો હતો
મૃત મહિલાની અંતિમવિધિ અટકાવવાનું કારણ માત્ર મહિલાની જ્ઞાતિ હતી. જ્ઞાતિવાદી લોકોએ મહિલાના અગ્નિસંસ્કાર અટકાવતાં મહિલાનો મૃતદેહ બે દિવસ ઘરમાં રાખવો પડ્યો. અંતે મહિલાના અગ્નિસંસ્કાર તેની માલિકીની જમીનમાં કરવામાં આવ્યા. આ મામલે મહિલાના પરિવારજનોએ ફરિયાદ કરવાની ના પાડી હતી.