ઓનલાઇન ટાસ્ક-રિવ્યૂના નામે કમાણી કરવા જતાં હજુ પણ છેતરાતા લોકો
સાયબર ફ્રોડનો ભોગ બનેલાઓને 4.31 લાખ પરત અપાવાયા : અવારનવાર પોલીસ સચેત રહેવા અપીલ કરે છે આમ છતાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા રહે છે
રાજકોટ, : અલગ-અલગ રીતે સાયબર ફ્રોડનો ભોગ બનેલા પાંચ અરજદારોને ગાંધીગ્રામ પોલીસે તેમણે ગુમાવેલી રકમ પૈકી રૂા. 4.31 લાખ પરત અપાવ્યા હતા.
એક અરજદારે વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઇ તેમાં ડેટા એન્ટ્રીના કામ માટે સંપર્ક કરતાં ગઠીયાઓએ અલગ-અલગ પેકેજ લેવડાવી ફ્રોડ કર્યું હતું. બીજા અરજદારે ટેલિગ્રામ પર આવેલા અલગ-અલગ ટાસ્કના મેસેજ જોઇ તેમાં ભાગ લેતા શરૂઆતમાં તેને અમુક રકમ રિફંડ આપ્યા બાદ ફ્રોડ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે અત્યાર સુધી અનેક લોકો સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે. આમ છતાં વધુને વધુ લોકો ગઠીયાઓની જાળમાં ફસાઇ નાણાં ગુમાવી રહ્યાં છે.
ત્રીજા અરજદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેરબજારમાં ઉંચા વળતરની જાહેરાત જોઇ તેમાં જણાવાયેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં ગઠીયાઓએ તેને એક ફેક એપ ડાઉનલોડ કરાવડાવી તેમાં ઉંચુ વળતર બતાવી તેની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવી ફ્રોડ કર્યું હતું. ચોથા અરજદારે હોટલ બુકિંગ માટે ગુગલ પર નંબર સર્ચ કરતાં ફેક વેબસાઇટ પરથી મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જેમાં ગઠીયાઓએ હોટલ બુકિંગના નામે પૈસા પડાવી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી દીધો હતો.
પાંચમાં અરજદારે ઓનલાઇન સોફાસેટ વેચવા માટે મૂકતા ગઠીયાઓેએ રિસીવીંગ મનીનો ક્યુઆર કોડ મોકલી તેમાં સ્કેન કરાવી ફ્રોડ કર્યું હતું.
અવારનવાર પોલીસ લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે અપીલ કરે છે. આમ છતાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતાં રહે છે. વધુ એક વખત પોલીસે ટાસ્ક-રિવ્યૂના નામે ઘર બેઠા કમાવાની સ્કીમથી દૂર રહેવા, વિશ્વાસપાત્ર એપ સિવાય ઓનલાઇન લોન નહીં લેવા, ક્રિપ્ટો-ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ રૂબરૂ મુલાકાત અને કાયદેસરની કાગળ પરની પ્રક્રિયા કર્યા સિવાય નહીં કરવા, અજાણી લીંક પર ક્લીક નહીં કરવા, અજાણી એપ ઉપરાંત અજાણી એપીકે ફાઈલ ડાઉનલોડ નહીં કરવા, ગુગલ પરથી કસ્ટમરકેર નંબર શોધવા માટે ઓથેન્ટીકેટ એપનો જ ઉપયોગ કરવા, આધાર કાર્ડને બાયોમેટ્રીક લોક રાખવા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રીકવેસ્ટ નહીં સ્વીકારવા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હંમેશા ટુ ફેકટર ઓથેન્ટીકેશન ચાલુ રાખવા એટલું જ નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વસ્તુ ખરીદવાનું ટાળવા અનુરોધ કર્યો છે.