શહેરમાં 12.06 ડિગ્રી સાથે કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા
- 16મી ડિસેમ્બર બાદ પ્રથમ વખત નીચું તાપમાન નોંધાયું
- દિવસનું તાપમાન 25.7 ડિગ્રીએ સ્થિર રહ્યું : હજુ 48 કલાક ઠંડીનું જોર રહેશે, ત્યારબાદ રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉપર જવાની હવામાન વિભાગની આગાહી
ભાવનગર : ઉત્તર પૂર્વિય દિશામાંથી ફૂંકાઈ રહેલા ટાઢાબોળ પવનને કારણે ભાવનગરમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડથીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. ત્યારે હજુ ૪૮ કલાક સુધી ભાવેણાંવાસીઓને ઠંડીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી.
વર્ષ ૨૦૨૫ના પ્રથમ સપ્તાહમાં ઠંડી ગાયબ રહ્યાં બાદ છેલ્લા બે દિવસથી ટાઢોબોળ પવન ફૂંકાવાના કારણે ઠંડીનું જોર વધ્યું છે. તેમાં પણ રાત્રિના સમયે ધુ્રજાવતી ઠંડી રહેતા ૧૬મી ડિસેમ્બર બાદ પ્રથમ વખત રાતનું તાપમાન ૧૨.૦૬ ડિગ્રી સેલ્સિયસ નીચું નોંધાયું છે. રાત્રે શહેરની તુલનામાં ગ્રામ્ય અને ખુલ્લા વિસ્તારોમાં કાતિલ ઠંડીની અસર વર્તાઈ હતી. હાઈવે ઉપર બાઈકસવાર વાહનચાલકો રીતસરના ધુ્રજતા જોવા મળ્યા હતા. તો ઠંડીના સામ્રાજ્યના પગલે વૃદ્ધો અને બાળકોની હાલત કફોડી બની હતી. હજુ ૪૮ કલાક સુધી હાડથીજાવતી ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ બે-ત્રણ ડિગ્રી તાપમાન ઉપર જશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. જેથી ભાવેણાંવાસીઓએ આગામી બે દિવસ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. રાત્રિ બાદ દિવસે પણ ઠંડીનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. ગઈકાલની તુલનામાં આજે પવનની ઝડપ સવારે ૦૬ કિ.મી. અને બપોરે ૧૪ કિ.મી. પ્રતિકલાકની રહી હતી. તેમ છતાં જાણે કે, લોકો કાશ્મીરમાં હોય તેમ ઘર-ઓફિસોની અંદર પણ ઠંડીથી બચી શક્યા ન હતા. ઠંડીના પગલે ગઈકાલ મંગળવારની જેમ આજે બુધવારે મહત્તમ તાપમાન ૨૫.૭ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૦ ટકા અને બપોરે ૩૭ ટકા નોંધાયું હતું.
વધુમાં છેલ્લે ૧૬મી ડિસેમ્બરે ભાવનગરમાં ઠંડીનો પારો રેકોડબ્રેક ૧૨.૨ ડિગ્રી રહ્યો હતો. ત્યારબાદથી લઈ શિયાળાની અત્યાર સુધીની સિઝનમાં આજે ૧૨.૬ ડિગ્રી સાથે લઘુતમ તાપમાન તેના ન્યૂનત્તમ સ્તરે પહોંચ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં રાતનું તાપમાન ૦.૮ ડિગ્રી નીચે રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી.
સામાન્યથી બે ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું
ભાવનગરમાં ઠંડીનું પ્રમાણ વધતા રાત અને દિવસના તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રી જેટલું નીચું તાપમાન રહ્યું હોવાનું હવામાન વિભાગે નોંધ્યું છે. શહેરનું મહત્તમ તાપમાન ૨૫.૭ ડિગ્રી નોંધાયું છે. જે સામાન્યથી ૧.૯ ડિગ્રી નીચું છે. તો સરેરાશ ૧.૨ ડિગ્રીના નીચેના સ્તર સાથે લઘુતમ તાપમાન ૧૨.૬ ડિગ્રી રહ્યું હતું.
આઠ દિવસમાં નોંધાયેલું તાપમાન
તારીખ મહત્તમ લઘુતમ
૦૮-૧ ૨૫.૭ ૧૨.૬
૦૭-૧ ૨૫.૭ ૧૩.૮
૦૬-૧ ૨૬.૮ ૧૩.૬
૦૫-૧ ૩૦.૨ ૧૬.૫
૦૪-૧ ૨૯.૬ ૧૫.૨
૦૩-૧ ૩૧.૨ ૧૫.૬
૦૨-૧ ૨૯.૬ ૧૬.૩
૦૧-૧ ૨૮.૨ ૧૫.૬