સાબરકાંઠા બેઠક પર કકળાટ: મોડાસામાં સમર્થકોનો હોબાળો, ભીખાજીએ કહ્યું- પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય

સાબરકાંઠા બેઠક પર ભાજપે જાહેર કરેલા નવા ઉમેદવાર સામે લોકોનો વિરોધ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
સાબરકાંઠા બેઠક પર કકળાટ: મોડાસામાં સમર્થકોનો હોબાળો, ભીખાજીએ કહ્યું- પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપે રાજ્યની તમામ 26 બેઠક પર પોતાના ઉમેદાવારો જાહેર કરી દીધા છે. પરંતુ સાબરકાંઠા બેઠક પર ભાજપને કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. હવે અહીંથી ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે, પરંતુ તેમની સામે સાબરકાંઠામાં વિરોધ શરૂ થયો છે. આ દરમિયાન મોટી સખ્યામાં ભીખાજીના સમર્થકો અને આગેવાનો મોડાસા સ્થિતિ જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા.

ભીખાજી ઠાકોરે આપી પ્રતિક્રિયા

આ મામલે ભીખાજી ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે. 'હું પાર્ટીની સાથે જ છું અને  પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય છે. જે કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જો મારા સમર્થકો હશે તો હું તેમને ચોક્કસ સમજાવીશ કે વિરોધ પ્રદર્શન ન કરે.'

સાબરકાંઠા બેઠક પર કેમ થઈ રહ્યો છે વિરોધ?

ભાજપે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ આપતા જ હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો છે. જિતેન્દ્રસિંહનું કહેવું છે કે, 'ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ આપી છે. કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ અપાઈ, શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. અહીં મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ છે.' કૌશલ્યા કુંવરબા પસંદ ના હોય તો અન્યને ટિકિટ આપો, શોભનાબેને પક્ષ માટે કોઈ કામ કર્યા નથી.' ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ વિરોધ શરૂ થયો છે.

ગુજરાતમાં મતદાન ક્યારે થશે?

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ થશે. 20મી મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ થશે. સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે. તમામ 26 બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજાશે. ચોથી જૂને પરિણામ જાહેર થશે.

સાબરકાંઠા બેઠક પર કકળાટ: મોડાસામાં સમર્થકોનો હોબાળો, ભીખાજીએ કહ્યું- પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય 2 - image


Google NewsGoogle News