વડોદરાના ભાયલીમાં રોડ કનેક્ટિવિટી માટે લોકો દ્વારા નર્મદા બ્રાન્ચ કેનાલ પર બ્રિજનો વિરોધ
Vadodara : વડોદરામાં સમા સર્કલ ખાતે બની રહેલા ફ્લાય ઓવર બ્રિજને ઊર્મિ બ્રિજ સાથે લિંક અપ કરવાના મુદ્દે કોર્પોરેશનમાં વિવાદ ચાલી રહ્યો છે અને આ સંદર્ભે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત હાલ મુલતવી કરી દેવામાં આવી છે. બીજી બાજુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રોડ કનેક્ટીવીટી માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ ઉપર સનફાર્મા-ભાયલીને જોડતા બ્રિજનો પણ વિવાદ શરૂ થયો છે. લોકો ખોટો ખર્ચો કરીને બ્રિજ બનાવવાના બદલે કેનાલ ઉપર સાયફન બનાવવા માંગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોડ કનેક્ટીવીટી માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ ઉપર એટલેકે સનફાર્મા-ભાયલીને જોડતા બ્રિજનું કામ થાય છે ત્યારે ભાયલી વિસ્તારના રહેવાસીઓએ માંગ કરી છે કે ભાયલી વિસ્તારના અન્ય જે પ્રાણપ્રશ્નો છે તેનો ઉકેલ લાવવાની જરૂર છે.
કોંગ્રેસના નેતૃત્વમાં આ મુદ્દે કોર્પોરેશનને આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે જયારે ઓછા રૂપિયામાં કામનું નિવારણ થતું હોય તો બ્રિજ માટે ખોટા અને મોટા ખર્ચ કરવાની જરૂર નથી. બ્રિજને બદલે કેનાલ ઉપર સાયફન બનાવવામાં આવે તો ખર્ચો ઓછો થાય એમ છે. અહીંયા ટ્રાફિકની એવી કોઈ મોટી સમસ્યા નથી. પાલિકા દ્વારા ટ્રાફિકનો કોઈ પણ જાતનો અભ્યાસ કર્યા વગર બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. પાલિકાએ રોડ કનેક્ટિવિટી માટે કોઈ ટ્રાફિક ડેટા જાહેર કર્યા નથી અને ફ્લાય ઓવરની જરૂર તો સહેજે ય નથી. અહીંથી આગળ પશ્ચિમ દીશાએ 200 મીટર સુધી વસાહતો આવેલ છે. આગળ હાલ કોઇ વસાહત નથી કે રોડ રસ્તા બનાવ્યા નથી. બ્રિજ બાંધકામનો વિકલ્પ પડતો મુકી તેની અવેજીમાં સાયફન કરીને રોડ બનાવવાનો વિકલ્પ પસંદ કરવા રજૂઆત કરી છે. વિસ્તારમાં નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ ઉપર રોડ કનેક્ટીવીટી માટે 3 સાયફન બનાવવામાં આવેલ છે. જેમાં ગોત્રી-સેવાસી રોડ ઉપર, પ્રિયા સિનેમા 30 મીટર રોડ તથા વાસણા-ભાયલી રોડ ઉપર પણ સાયફન કરેલ છે. જ્યાં કોઈ બ્રિજનું નિર્માણ કરેલુ નથી. ભાયલીમાં સારા રોડ નથી. ભાયલીની બધી સોસાયટીઓને પોતાનો બોર બનાવી પાણીની સગવડ ઉભી કરવી પડી છે. કોર્પોરેશન ક્યારે પાણી આપશે? ભાયલીમાં ગટર વ્યવસ્થાને સુદ્રઢ કરવાની જરુર છે. ભાયલીમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા અત્યંત નબળી છે. કચરો લઈ જવાની વ્યવસ્થા પાંગળી અને અનિયમિત છે. બ્રિજને બદલે આ બધા પ્રશ્નો હલ કરવા માંગ કરી છે.