બપોરના સુમારે લુ ફુંકાતા માર્ગો પર લોકોની ચહલપહલ ઘટી
Summer Season : રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમી પડી રહી છે. એપ્રિલ મહિનામાં મે અને જૂન મહિના જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. વડોદરા શહેરમાં પણ છેલ્લા ચાર દિવસથી સૂર્યનારાયણ કોપાયમાન બનતા આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય વડોદરાવાસીઓ અંગદઝાડતી ગરમીનો સામનો કરી રહ્યા છે.
આજે શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી જતા લોકો અકળાઈ ઊઠ્યા હતા. આકરા તાપના કારણે બપોરના સમયે લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળતા જાણે માર્ગો પર કુદરતી કર્ફયુ લાદયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વધતી ગરમી અને લૂના કારણે લોકો બીમાર થઈ રહ્યા હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે. ગરમીના પ્રકોપથી રાહત મેળવવા ઠંડા પીણા અને આઈસક્રીમ તથા બરફ ગોળાની લારીઓ પર ભીડ જોવા મળે છે. કેટલાકે એસી અને પંખાના ધમધમાટ તળે જ ઠંડકમાં રહેવાનું મુનાસિબ માન્યું હતું. આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. મહત્વનું છે કે, આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ આગળ આવી યથાશક્તિ મુજબ ગરમીથી બચાવવા પશુ પક્ષીઓને રાહત માટેના પ્રયાસ કરી રહ્યા છે. શહેરના સયાજીબાગ ખાતે પ્રાણી સંગ્રાહાલયમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ બાંધવામાં આવી છે.