વડોદરાના લોકો હવે ઘરમાં તરાપા, દોરડાં રબર ટ્યુબ રાખે, સ્થાયી સમિતિના અઘ્યક્ષની હાસ્યાસ્પદ શિખામણ
Vadodara Municipal Corporation : વડોદરા શહેરના નાગરિકોએ પૂરની પરિસ્થિતિમાં તંત્ર પર આક્ષેપ મૂકવાને બદલે ઘરમાં પૂરની પરિસ્થિતિમાં ભારે વરસાદ સાથે રહેતા શીખવું પડશે, જેથી ઘરમાં રબર ટ્યુબ, ટોર્ચ તેમજ સોસાયટીમાં તરાપો, ઇમરજન્સી લાઇટ કે દોરડું રાખવું જોઈએ તેવી હાસ્યાસ્પદ શિખામણ કૉર્પોરેશનની સ્થાયી સમિતિના અઘ્યક્ષે આપતાં વિવાદ થયો છે.
વડોદરાના સ્થાયી સમિતિના અઘ્યક્ષના હાસ્યાસ્પદ નિવેદનથી વિવાદ
વડોદરા શહેરમાં એક દિવસમાં 12થી 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે આજવા સરોવરની સપાટી 214 ફૂટની ભયજનક સપાટી પર પહોંચી જતાં એક સાથે 62 દરવાજા ખોલી નાખતાં વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. વિશ્વામિત્રીની સપાટી 40 ફૂટથી વઘુ પહોંચી ગઈ હતી. કૉર્પોરેશનનું તંત્ર માને છે કે ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.
જ્યારે લોકોનું માનવું છે કે, આજવા સરોવરમાંથી પાણી છોડવામાં યોગ્ય નિર્ણય નહીં લેવાતા આ માનવસર્જિત પૂર આવ્યું છે. જે માટે તંત્ર જવાબદાર છે. સ્થાયી સમિતિના અઘ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ નાગરિકોને હાસ્યાસ્પદ શિખામણ આપતું નિવેદન કરતાં વિવાદ સર્જાયો છે અને લોકોએ તેઓના નિવેદનને વખોડી હવે કૉર્પોરેશન વરસાદી કાંસ કે વિશ્વામિત્રી પરના દબાણો હટાવશે નહીં તેવા મેસેજો પણ ફરતા કર્યા છે.
સ્થાયી સમિતિના અઘ્યક્ષે જણાવ્યું છે કે, પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા આગામી દિવસોમાં ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન કૉર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. જેમાં લાંબા ગાળા આયોજનમાં પ્રોજેકટનો અમલ કરતાં બેથી ત્રણ વર્ષ નીકળી જાય તેમ છે. ત્યારે હાલમાં ક્લાઇમેન્ટ ચેન્જને કારણે ભારે વરસાદ પડે છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
તેમણે લોકોને શિખામણ આપી એવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું છે કે, નાગરિકોએ જ્યાં સુધી કૉર્પોરેશનના વિશ્વામિત્રી પ્રોજેકટ અમલમાં મૂકાય નહીં ત્યાં સુધી ભારે વરસાદ સાથે રહેતા શીખવું પડશે. નાગરિકો પોતાના ઘરમાં બચાવના સાધનો અને મોટી સોસાયટી હોય તેમાં તરાપા, દોરડા અને ઇમરજન્સી લાઇટ રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. કૉર્પોરેશન દ્વારા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા કરવી પડશે.