વડોદરામાં રેશનકાર્ડ ઈ-કેવાયસી બાદ હવે આધાર કાર્ડ માટે પણ લાંબી કતારોથી લોકો પરેશાન
Vadodara : આધાર કાર્ડમાં સુધારા વધારા કે નવા સહિત અન્ય ફેરફારો બાબતે દાંડિયા બજાર ખાતે આવેલી વસ્તી ગણતરીની ઓફિસે સવારથી લાંબી લાઈનો લાગી જાય છે. વહેલી સવારે આઠ વાગ્યાથી મહિલાઓ અને બીમાર વૃદ્ધો લાઈનમાં ઊભા રહી જાય છે. છેલ્લા ચાર ગુરૂવારથી લાઈનમાં નંબર માટે ઊભા રહેતા વૃદ્ધે નંબર નહીં આવે ટ્રેન નીચે જઈને સૂઈ જવા જાહેરમાં ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, લોકોને આધારકાર્ડની વારંવાર જરૂરીયાત ઉભી થાય છે. આધાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા સહિત અપડેટ કરાવવા બાબતે તત્કાળ કાર્યવાહી કરવી પડે છે. આ અંગે વસ્તી ગણતરીની ઓફિસ પાસે વહેલી સવારે આઠ વાગ્યાથી મહિલાઓ સહિત યુવાઓ અને બીમાર વૃદ્ધોને પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે. લાંબી કતારોના અંતે ઓફિસમાંથી માત્ર ગણતરીના ટોકન આપવામાં આવે છે. તેથી જરૂરિયાતમંદોની રોજિંદી લાઈનમાં કોઈ ઘટાડો થતો નથી. જ્યારે બીજી બાજુ ખાતા અધિકારી નિયત સમયે આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરાય છે. આમ મહિલાઓ યુવાઓ અને બીમાર વૃદ્ધો લાઇનમાં ઊભા રહીને હેરાન પરેશાન થાય છે. આ લાઈનમાં છેલ્લા ચાર ગુરૂવારથી વહેલી સવારે આવીને ઊભા રહેતા એક અન્ય વૃદ્ધ હવે કંટાળી ગયા છે અને જાહેરમાં એમ કહે છે કે હવે નંબર નહીં આવે તો ટ્રેન નીચે સુઈ જવું બહેતર છે. આવી તકલીફો છતાં વહીવટી તંત્રની આંખ ઉઘડતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આવી જ લાઈનો રેશનકાર્ડ અપડેટ કરવા ઈ-કેવાયસી બાબતે લાઈનો હતી ત્યારબાદ તંત્ર દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ કરાઈ હતી. આવી જ રીતે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા થાય એમ કતારમાં ઉભેલા વૃદ્ધો ઈચ્છી રહ્યા છે.