Get The App

વડોદરા કે ખાડોદરા?: બજેટ પહેલા ગ્રાન્ટ વાપરી નાખવાની હોડમાં શહેરના મોટાભાગના રસ્તા ખોદી કઢાયા

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
વડોદરા કે ખાડોદરા?: બજેટ પહેલા ગ્રાન્ટ વાપરી નાખવાની હોડમાં શહેરના મોટાભાગના રસ્તા ખોદી કઢાયા 1 - image


Vadodara : વડોદરા શહેરમાં જાણે કે રાતોરાત સ્વર્ણિમ વડોદરા થવાનું હોય એવી રીતે ચારે બાજુએ વિકાસના બહાના હેઠળ ઠેર-ઠેર ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જાણે કે હવે પછી કોઈ જગ્યાએ ખાડા ખોદવા દેવાશે નહીં એવી ચિમકી અપાઈ હોય એવી રીતે નિયત મુદતમાં જ વિકાસના કામો કરવાની શહેરમાં રીતસર ચારે બાજુએ હોડ જામી છે. તંત્ર દ્વારા શહેરનો એકેય રસ્તો ખોદાયા વિનાનો બાકી રહ્યો નથી. ચારે બાજુએ જાણે કે કોન્ટ્રાક્ટરોમાં રીતસરની હરીફાઈ જામી હોય એવી રીતે ખાડા ખોદીને ઠેક ઠેકાણે ડાઈવર્ઝન પણ આપી દેવાયું છે. કેટલીક જગ્યાએ ડાઈવર્ઝન પણ નહીં અપાયું હોવાની બાબતે વાહન ચાલકને ખોદેલા રસ્તેથી પાછા આવવું પડે છે. 

મહા નગરપાલિકાને અચાનક ચઢ્યું સુરાતન?

મોટાભાગના તમામ ચાર રસ્તે ખોદાયેલા રોડના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામ થતો જોવા મળે છે જ્યારે કોઈ જગ્યાએ યોગ્ય પુરાણ નહીં થયું હોવાના કારણે ખાડામાં વાહન ફસાઈ જવાના પણ બનાવો રોજિંદા બની ગયા છે. જેથી વાહન ચાલકો બિન ખોદાયેલા રસ્તેથી મોટાભાગે જવાનું પસંદ કરે છે જેથી ખાડામાં ખૂંપી જતા પોતાના વાહનોને થતા નુકસાનથી બચાવી શકે. જ્યારે ના છૂટકે જ આવા પુરાણ થયેલા ખોદાયેલા રસ્તેથી જવા મજબૂર બને છે. આવી રીતે ઠેક ઠેકાણેના ડાઈવર્ઝન અને ખાડા ખબડાને કારણે મોંઘા ઇંધણનો પણ વ્યય થાય છે.

નવા બજેટ પહેલા ગ્રાન્ટ વાપરી નાખવાની લાગી હોડ

તંત્ર દ્વારા વર્ષ આખું આરામ કરી લીધો હોય એમ લાગે છે. હવે જ્યારે વર્ષ પૂરું થવા આવ્યું છે અને સભ્યોને ફાળવેલી ગ્રાન્ટની રકમ વાપરવામાં સૌ કોઈ સભાસદોમાં જાણે કે હરીફાઈ જામી છે. આ ઉપરાંત બજેટના નાણા પણ યેનકેન વાપરી નાખવાની પણ હરીફાઈ જામી ગઈ છે. જેમાં નક્કી કરાયેલું કમિશન પણ કમાઈ લેવાની સભાસદોની દાનત કંઈ બાકી રહેતી હોય એવું લાગતું નથી.

વડોદરા બન્યુ ખાડોદરા

હવે તો ઠેર ઠેર ખોદાયેલા ખાડાથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. એકેય મેઇન રોડથી માંડીને અંતરિયાળ રસ્તા પણ ખોદાયેલા ખાડાથી બાકી રહ્યા નથી. આમ વડોદરાને અગાઉ ભુવા નગરી, ખાડોદરા, મગર નગરી જેવા અનેક નામ અપાયા છે ત્યારે વધુ એક નામ પાકા રસ્તા વિનાનું વડોદરા શહેર એવું કોઈ નામ આવે તો નવાઈ નહીં.


Google NewsGoogle News