પાણીની ટાંકી સફાઈ ઝુંબેશ : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં 50 હજાર લોકોનો કાલે પાણી માટે કકળાટ થશે
Vadodara Water Shortage : વડોદરા મહાનગરપાલિકા તંત્રને જાણે કે ચાનક ચડી હોય એવી રીતે ભર ઉનાળે શહેરની વિવિધ ટાંકીઓ તથા અંડરગ્રાઉન્ડ સંપ સફાઈ કરવાનું સૂઝ્યું હોવાથી શહેરીજનોને ધોમધખતા ઉનાળાના પ્રારંભે જ વિના પાણી તરસ્યા રહેવાનો વખત આવ્યો છે. આમ કોઈપણ જાતના આયોજન વિના સંપ અને ઊંચી ટાંકીઓ ઉનાળામાં જ કરવાનું પાલિકા તંત્રને ભાન થયું છે.
ટાંકી અને સંપની સફાઈ શું શિયાળામાં કરવામાં તંત્રને કોણ રોકતું હતું? જોકે શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સુભાનપુરા ટાંકી ખાતે ભૂગર્ભ સંપ સફાઈની કામગીરી આવતીકાલે તા.26 ને બુધવારે કરાશે. જેથી સુભાનપુરા પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તારમાં બુધવારે સાંજના સમયનું પાણી મળશે નહીં. આ ઉપરાંત તા.27 ગુરૂવારે સવારે સંપ સફાઈની કામગીરી પૂરી થયા બાદ પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી અપાશે. આમ સુભાનપુરા ટાંકી વિસ્તારના 50 હજાર લોકોને પાણીથી ઉનાળામાં વંચિત રહેવું પડશે. જોકે પાલિકા તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે જે તે સમયે પાણી વિના રહેનારા લોકોએ અગાઉથી પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. પરંતુ શહેરીજનોને પૂરતું પાણી આપવામાં તંત્ર અખાડા કરતું હોય આગોતરી વ્યવસ્થા કેવી રીતે કરવી એ એક પ્રશ્ન છે.