Get The App

નલિયાના લોકો દિવસે પણ તાપણા કરવા મજબૂરઃ જનજીવનને અસર

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
નલિયાના લોકો દિવસે પણ તાપણા કરવા મજબૂરઃ જનજીવનને અસર 1 - image


વહેલી સવારે પવનનું જોર વધતા અબડાસાવાસીઓ ઠૂંઠવાયા

ગરમ વસ્ત્રોની બજારમાં ગરમી આવીઃ ઠંડીનું પ્રમાણ વધતા દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો, બજારમાં ચહલપહલ ઘટી

ભુજ: ગુજરાતમાં ઠંડીમાં મોખરે રહેતા નલિયામાં આ વર્ષે પણ લઘુતમ તાપમાનનો પારો સીંગલ ડીજીટમાં પહોંચી ગયો છે પરિણામે શિયાળાની કડકડતી ઠંડીની અસર જનજીવન ઉપર પડી રહી છે. છેલ્લા બે દિવસથી માવઠા જેવું વાતાવરણ હોતા નલિયાના લોકો દિવસે પણ ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. ધોળા દિવસે નલિયામાં લોકો તાપણા કરવા મજબુર બન્યા  છે.

શિયાળાની ઋતુની મોસમ બરાબર જામી રહી છે ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.  જેના કારણે લોકો દિવસે પણ ગરમ વસ્ત્રો  પહેરવાં તેમજ તાપણા કરવા મજબૂર બન્યા છે. સામાન્ય દિવસોમાં જે મોડી રાત ભર લોકો અવર જવર કરતા હોય છે જેમાં ઘટાડો આવ્યો છે. રાતે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠેર ઠેર ચોક અને દુકાનો બહાર રાત્રે લોકો ઠંડીથી બચવા તાપણાઓ કરી રહ્યા છે. દરિયા કાંઠાનાં વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળતી હોય છે.ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના સમયે અને વહેલી સવારે કાતિલ ઠંડી પડી રહી છે. રાત્રીનાં સમયે ઠંડીથી બચવા લોકો મોડે સુધી ફરવાનું ટાળી રહ્યા છે. અબડાસા તાલુકામાં ભારે ઠંડીનાં કારણે  લોકો સાથે પશુઓ ઉપર પણ શિયાળાની અસર વર્તાઈ રહી છે. ગાય અને ભેંસના દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો નોંધાઈ રહ્યો છે. લોકો ગરમ વસ્ત્ર ખાણીપીણી અને તાપણા નો સહારો  લઈ રહ્યા છે. વહેલી સવારે શાળાએ જતા બાળકો સંપૂર્ણપણે ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે. 

નલિયામાં વહેલી સવારે ઠંડી અને પવનનું જોર જોવા મળ્યું હતું. ઠંડીના કારણે લોકોને રોજિંદા કાર્યોમાં  ભારે હાલાકી પડી રહી છે. બજારોમાં લોકોની હાજરી ઘટી જવા પામી છે. ગરમ વસ્ત્રોની બજાર પહેલા શુષ્ક રહ્યા બાદ હવે ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષની તુલનામાં આ ડિસેમ્બરમાં માસમાં ઠંડીનું જોર વિશેષરૂપે નોંધાઈ રહ્યું છે જેની સૌથી વધુ અસર સવારે કામસર નીકળતા ધંધાર્થીઓ અને શાળાએ જતા બાળકો ઉપર વર્તાઈ રહી છે.


Google NewsGoogle News