Get The App

રૂપાલા વિવાદમાં ક્ષત્રિયો ગુસ્સે, પાટીલની હાજરીમાં ભાજપના કાર્યક્રમમાં ઘૂસી ફરકાવ્યાં કાળા વાવટા

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
રૂપાલા વિવાદમાં ક્ષત્રિયો ગુસ્સે, પાટીલની હાજરીમાં ભાજપના કાર્યક્રમમાં ઘૂસી ફરકાવ્યાં કાળા વાવટા 1 - image


Lok sabha Elections 2024: એક તરફ લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો સમય નજીક આવી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં રાજકોટ લોકસભાના બેઠકના ઉમેદવારના વિવાદીત નિવેદનનો મામલો શાંત પડવાનું નામ લઈ રહ્યો નથી. રાજકોટમાંથી ભાજપે પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. જો કે રૂપાલાએ જ્યાર્થી ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરી છે ત્યારથી મામલો બીચક્યો છે અને હવે ક્ષત્રિયો લડી લેવાના મુડમાં છે ત્યારે આજે દ્વારકાના ખંભાળિયામાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 

ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવા પર અડગ

રાજ્યમાં રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયો કોઈપણ વાત માનવા તૈયાર નથી અને સતત રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માગ પર અડગ છે. અગાઉ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા સમાજના આગેવાનો સાથે મીટિંગ પણ કરી હતી પણ તે નિષ્ફળ ગઈ હતી. આ મામલે રાજ્યભરમાં ઘણી જગ્યાએ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગી રહ્યા છે ત્યારે આજે દ્વારકાના ખંભાળિયામાં જિલ્લા ભાજપના કમલમ ખાતે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ક્ષત્રિઓએ કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો હતો. 

સી.આર. પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિયોનો વિરોધ

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને રૂપાલા હટાવોના નારા પણ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો કાળા વાવટા લઈને ઉપસ્થિત રહીને વિરોધ કર્યો હતો. અગાઉ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓના જૌહરની જાહેરાત પણ કરી હતી. તો રાજકોટમાં ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે અન્નત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે.

ક્ષત્રિય સમાજ મન મોટું રાખી રૂપાલાને માફ કરશે: રૂપાણી

નોંધનીય છે કે પોતાના નિવેદનને લઈને રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત હાથ જોડીને માફી માગી છે તેમ છતાં ક્ષત્રિયોમાં આક્રોશ છે. આ વચ્ચે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ વતી રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઊતરી આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ હંમેશાથી માફી આપનારો સમાજ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી બદલ બે વખત માફી માગી છે. મારું એવું માનવું છે કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખી રૂપાલાને ચોક્કસ માફ કરશે. 

રૂપાલા વિવાદમાં ક્ષત્રિયો ગુસ્સે, પાટીલની હાજરીમાં ભાજપના કાર્યક્રમમાં ઘૂસી ફરકાવ્યાં કાળા વાવટા 2 - image


Google NewsGoogle News