બિલ વિસ્તારના રહીશોની રજૂઆત : ટ્રાફિક સમસ્યાને લીધે ત્રણ કિ.મી. પસાર કરતા દોઢ કલાકનો સમય લાગે છે
Vadodara : વડોદરા શહેરમાં સમાવિષ્ટ સાત ગામોમાંથી કોર્પોરેશન દ્વારા વેરાની વસુલાત કરવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. જે અંગે ગઈકાલે બિલ વિસ્તારની 50 થી 60 સોસાયટીના રહીશોએ સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. જેમાં પ્રાથમિક સુવિધાઓનો ઝડપી અમલ થાય તેવી ખાતરી આપી હતી.
વડોદરા શહેરમાં પાંચ વર્ષ પૂર્વે આજુબાજુના સાત ગામોનો સમાવેશ કોર્પોરેશનની હદમાં કરવામાં આવ્યો હતો તે સમયે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો પરંતુ વિરોધ છતાં સાત ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે બાદ કોર્પોરેશન દ્વારા સાત ગામના વિસ્તારમાંથી વેરાની વસૂલાત પણ શરૂ કરી દેવામાં આવી છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. જેથી અવારનવાર લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે બિલ વિસ્તારના સ્થાનિક રહીશોએ ભાજપના કોર્પોરેટર સાથે એક મીટીંગનું આયોજન કર્યું હતું. જેમાં સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
બિલ ગામ અને તેની આસપાસની 50 થી 60 સોસાયટીના રહીશોએ ભેગા થઈ રજૂઆત કરી હતી. સ્થાનિક રહીશોએ અટલાદરાથી બિલ સુધી માત્ર ત્રણ કિલોમીટર રસ્તો પસાર કરી ઘરે પહોંચવા માટે એક થી દોઢ કલાકનો સમય લાગી જાય છે. ટ્રાફિક જામને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
બિલ ગામ અને તેની આસપાસની સોસાયટીઓમાં ડ્રેનેજ રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઈટની અપૂરતી સુવિધા હોવાને કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે અવારનવાર ડ્રેનેજ ઉભરાતી હોવા અંગે તેમ જ રસ્તા બિસ્માર થઈ ગયા છે તે અંગે કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ઉકેલ આવતો નથી જેથી આજે સ્થાનિક કોર્પોરેટરોને રૂબરૂ બોલાવી રજૂઆતો કરવામાં આવી છે. સાથે-સાથે સ્થાનિક રહીશોએ જો આ પ્રશ્નોનો ઉકેલ આવશે નહીં તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ઓનલાઈન ફરિયાદ પણ કરીશું. તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ભાજપના કોર્પોરેટર મનીષ પગારએ સ્થાનિક રહીશોને જણાવ્યું હતું કે તમારા વિસ્તારના જે કોઈ પ્રશ્નો હોય તે સીધા કોર્પોરેશનમાં રજૂઆત કરવાને બદલે અમારા સ્થાનિક કોર્પોરેટરોને પહેલા જાણ કરવામાં આવે કારણકે રોજબરોજ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંપર્કમાં હોઈએ છીએ સાથે સાથે આ વિસ્તારનો વિકાસ થયો છે જેથી ટ્રાફિકની સમસ્યા વધી છે. તેના ઉકેલ માટે પણ આગામી દિવસમાં યોગ્ય જરૂરી પગલાં ભરવામાં આવશે.