Get The App

9 મ્યુનિ.માં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ, જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા અટવાયા

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
9 મ્યુનિ.માં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ, જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા અટવાયા 1 - image


Gram Panchayat : રાજકીય પ્રેશર કહો, લોકોના વહાલા થવા કહો કે અન્ય કોઈ કારણોસર  ગુજરાત સરકારે પૂરતાં આયોજન વગર નવી  નવ મહાનગરપાલિકા જાહેર કરી દીધી હતી. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, નવ મનપામાં સામેલ થયેલી 60 ગ્રામ પંચાયતો ભંગ કરી દેવાઈ છે. આ 60 ગ્રામ પંચાયતોના લોકો જન્મ-મરણ, લગ્ન અને આવક સહિતના સરકારી દાખલાઓ મેળવવામાં અટવાઈ પડ્યાં છે. 

પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. આ સ્થિતિમાં આ સરકારી દાખલાઓ કાઢી આપવાની પ્રક્રિયા મહદ્દઅંશે ખોરંભે પડી છે. હોબાળો મચતાં આણંદ સહિતની અમુક મહાપાલિકા સિક્કો મારીને જન્મ- મરણના સાદા દાખલા આપી રહી છે. પરંતુ, ડેટા ટ્રાન્સફર થયાં ન હોવાથી કોમ્પ્યુટરાઈઝડ દાખલાઓ કાઢી અપાતાં નથી. બીજી તરફ, નવ મહાનગરપાલિકાઓએ આ દાખલાઓ કાઢી આપવા માટે સરકારમાંથી સત્તાવાર મંજુરી મેળવવાની દરખાસ્તો કરી દીધી છે તે મળી નથી. આ મંજુરી મળશે ત્યાં સુધી પ્રજાજનો દાખલા માટે ડખે ચડતાં રહેશે.

ડેટા ટ્રાન્સફર થાય પછી જ દાખલા મળશે

ગત પહેલી જાન્યુઆરીથી મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને નવી મહાનગરપાલિકા જાહેર કરી દેવામાં આવી હતી. આ જાહેરાત પહેલા કે આ જાહેરાત બાદ શું કરું તેનું આયોજન સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું ન હતું. જેના કારણે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આ નવ મહાનગરપાલિકામાં સમાવેશ થતા 60 ગ્રામ પંચાયતોના રહીશોને સરકારી દાખલા મેળવવામાં સમસ્યા સર્જાઈ રહી છે. 

આ પણ વાંચો: ન્યૂ યર ગિફ્ટ ગુજરાત સરકારને મોંઘી પડી, નવી 9 મહાનગરપાલિકા અને જિલ્લા વિભાજનનો વિરોધ

સ્થાનિક સૂત્રો કહી રહ્યાં છે કે, મહાનગરપાલિકા જાહેર થયા 60માંથી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વસતા લોકોને જન્મ, મરણ કે લગ્નનો પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. પ્રમાણપત્ર કાઢવા માટેની સત્તા મળે તે માટે ઠરાવ પસાર કરી દેવાયો છે અને સરકારને મોકલી પણ દેવાયો છે. પરંતુ સરકારે પોતાની ઢીલી નીતિના દર્શન અહીં પણ કરાવ્યા છે અને હજુ સુધી આવી સત્તા મ્યુનિસિપલ કમિશનરને ન આપતા લોકો પ્રમાણપત્રો મેળવવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સત્તા મળી ગયા બાદ પણ 60 ગ્રામ પંચાયતોના લોકોને જન્મ-મરણ અને લગ્નનો  પ્રમાણપત્ર મેળવવા માટે છેક શહેર સુધી ધક્કા ખાવા પડશે તે કાયમી સમસ્યાનો સામનો લોકોએ કરવો પડશે.

હાલની સ્થિતિની વાત કરીએ તો, નવ મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયેલી 60 જેટલી ગ્રામ પંચાયતોના લોકો દાખલા મેળવવાની સામાન્ય પ્રક્રિયા માટે પિડાઈ રહ્યા છે. જન્મ અને મરણ તેમજ લગ્ન સહિતના પ્રમાણપત્રો થકી  મિલકત તેમજ અન્ય સમાજ સંબંધિત કામગીરીઓ  થતી હોય છે. આવા મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે હવે સરકાર ખૂબ જ ઢીલી નીતિ અપનાવી રહી  છે. મહાનગરપાલિકા જાહેર થઈ ગયા ને 17 દિવસ વિત્યાં  છતાં હજુ સુધી મહાનગરપાલિકા નો વહીવટ પાટે ચડ્યો નથી. પરિણામે મહત્વના ગણાતા દાખલાઓ હજુ સુધી મહાનગરપાલિકામાંથી નીકળી શકતા નથી.  

આ અંગે ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલે ગાંધીધામ મહાનગરપાલિકા સહિત જેટલી પણ નવી મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે તેમના દ્વારા જન્મ મરણ અને લગ્નના પ્રમાણપત્ર કાઢી આપવાની સત્તા માટે ઈ-નગરમાં એસએસઓની આઈ ડી જનરેટ થાય તે માટે ઠરાવ મોકલી દેવામાં આવ્યો છે. જેથી હવે આ એસએસઆની આઇડી જનરેટ થઈ ગયા બાદ મહાનગરપાલિકાને આ ત્રણેય પ્રમાણપત્રો કાઢવા માટેની સત્તા મળી જશે. આ સત્તા મળી ગયા બાદ જ પ્રમાણપત્ર કાઢી શકાશે. હાલે આ પ્રોસેસ ચાલુમાં છે અને ટૂંક સમયમાં જ તમામ મહાનગરપાલિકાઓની એસએસઓ આઇ-ડી જનરેટ થઇ જશે તેઓ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

નવી 9 મ્યુનિ.માં ભળેલી 60 ગ્રામ પંચાયતના રહીશો આદેશના અભાવે અઘ્ધરતાલ

રાજ્યમાં 60 ગ્રામપંચાયતોને નવી નવ નગરપાલિકાઓમાં ભેળવી દેવામાં આવી છે. આ 60 ગ્રામ પંચાયતો ભંગ કરવામાં આવતાં હાલ પૂરતાં જન્મ-મરણ, આવક સહિતના સરકારી દાખલાઓ આપવાની પ્રક્રિયા થંભી ગઈ છે. સરકાર તરફથી દરખાસ્તને મંજુરી ન અપાય ત્યાં સુધી નીચે દર્શાવેલી 60 ગ્રામ પંચાયતોના રહીશો સરકારી દાખલાઓના મામલે અદ્ધરતાલ છે. 

9 મ્યુનિ.માં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ, જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા અટવાયા 2 - image


Google NewsGoogle News