વડોદરાના ફતેપુરા-મંગલેશ્વર ઝાપા વિસ્તારમાં ચોર ટોળકીનો રંજાડ, લાકડી-પથ્થરોના સહારે રહિશોએ કરી પકડવા માટે મથામણ
Vadodara Crime : વડોદરા શહેરના ફતેપુરા-મંગલેશ્વર ઝાપા પાસે વિશ્વામિત્રીના નાળામાં ગઈકાલે મોડી રાત્રે એક વાગ્યાના સુમારે ચોર ટોળકી જાડી ઝાંખરામાં છુપાઈ ગઈ હોવાની માહિતીના આધારે સ્થાનિક રહીશો લાકડીઓ પથ્થરો લઈને તેને પકડવા દોડધામ કરી મૂકી હતી. આ બનાવની જાણ પોલીસને થતા તેઓએ પણ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી, પરંતુ અંધારાનો લાભ લઇ ચોર ટોળકી પલાયન થઈ ગઈ હતી.
વડોદરા શહેર જિલ્લા પોલીસ એક તરફ સોશિયલ મીડિયા પર ચાલતા લૂંટારૂ ટોળકીના વિડીયોથી ચિંતિત થઈ લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી રહી છે. તો બીજી બાજુ વડોદરા શહેર જિલ્લામાં ચોર લૂંટારો ટોળકી સક્રિય બની લૂંટફાટ કરતી હોવાના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઓડિયો મેસેજ ફરતો થયો હતો કે, વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે નાના બાળકો રડતા હોય તેવા અવાજ કાઢી લૂંટારું ટોળકી લૂંટ કરવા સક્રિય બની છે અને આવી ચોર ટોળકી શરીર પર તેલ કે દિવેલ લગાવીને આવે છે. જેથી કોઈએ અચાનક દરવાજા ખોલવા નહીં આવા મેસેજ થી ફરી એકવાર લોકોમાં ચિંતાનો વિષય બન્યો હતો.
આવા મેસેજ ફરતા થતા રહે છે તો બીજી બાજુ પોલીસ અફવાથી દૂર રહેવા અને આવી કોઈ ચોર ટોળકી દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરતાં મેસેજ પણ લોકો સુધી પહોંચાડ્યા છે. ત્યારે તાજેતરમાં હાસજીપુરા ગામની સીમમાંથી ડ્રોન પણ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેથી ચોર ટોળકી હાઇટેક બની ડ્રોનનો ઉપયોગ કરતી થઈ હોય તેમ માનવામાં આવે છે. એ જ પ્રમાણે વેમાલીના પાર્ટી પ્લોટ ખાતેથી પણ બે વખત એસીના આઉટર યુનિટની ચોરી થયા બાદ ત્રીજી વખત ગ્રામજનોએ રાત્રે પેટ્રોલિંગ કરી લૂંટારો ટોળકીને પકડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ભાગી છુટ્યા હતા અને ટેમ્પો જપ્ત કર્યો હતો. આવા જ કિસ્સાઓ બનતા રહે છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે 1:00 વાગ્યાના સુમારે ફતેપુરા મંગલેશ્વર ઝાપા વાલ્મિકી ફળિયા અને તેની આસપાસના વિસ્તારમાં લૂંટારું ટોળકી તાટકી હોવાના મેસેજ ફરતા થયા હતા. જેની જાણ થતા સ્થાનિક રહીશો લાકડીઓ અને પથ્થરો લઈને બહાર નીકળી પડ્યા હતા જ્યારે તપાસ કરતા નજીકમાં આવેલા વિશ્વામિત્રીના નાણાની ઝાડી ઝાંખરામાં ચારથી પાંચ ચોર છુપાઈ ગયાની જાણકારી મળતા નાળા પરથી લોકોએ પથ્થર મારો કર્યો હતો અને ચોરોને પકડવા પ્રયાસ પણ કર્યો હતો. આ અંગેની જાણ નજીકમાં આવેલા કુંભારવાડા પોલીસ સ્ટેશનને થતા સ્થળ પર આવી તેઓએ પણ તપાસ હાથ ધરી હતી પરંતુ સતત બે કલાક સુધી ચોરોને પકડવા કાર્યવાહી કરી હતી. પરંતુ જોર ટોળકી અંધારામાં પલાયન થઈ ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું.