આકરી ગરમીમાં પાણીની બુમ વચ્ચે પાલનપોર પાટિયા વિસ્તારમાં ગટર ઉભરાતી હોવાથી લોકો ત્રાહિમામ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને પાણીની બુમ પડી રહી છે તેની વચ્ચે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર પાટિયા વિસ્તારમાં ગટર ઉભરાતી હોવાથી લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. છેલ્લા એક વર્ષથી પાલનપોર પાટિયા હાઉસીંગ બોર્ડની નજીક મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ સામે ગટરનું પાણી વહી રહ્યું છે અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનો હલ થતો નથી તેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે.
સુરત પાલિકા રાંદેર ઝોનમાં પાલનપોર પાટિયા વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ આવ્યું છે. આ વિસ્તારમાં જ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ આવ્યો છે આ એપાર્ટમેન્ટ બહાર છેલ્લા એકાદ વર્ષથી ગટર ઉભરાઈ રહી છે. આ જગ્યાએ છાસવારે ડ્રેનેજ ઉભરાઈ રહી છે તે અંગેની અનેક ફરિયાદ સ્થાનિકોએ પાલિકા તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોને કરી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવતો નથી. આ જગ્યાએ સ્થિતિ એવી છે કે સંખ્યાબંધ દુકાનો આવી છે પરંતુ દુકાન બહાર જ ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યું છે. જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ ઉનાળાની સિઝનમાં આકરી ગરમી પડી રહી છે તેમ છતાં પણ ચોમાસું હોય તેવી જ રીતે દુકાન અંદર આવવા માટે ઈંટ મૂકવી પડી રહી છે. આવા પ્રકારની સ્થિતિ લાંબા સમયથી છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી લોકોની હાલત કફોડી બની રહી છે. લાંબા સમયથી લોકોની સમસ્યાનો હલ આવતો ન હોવાથી લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.