વિકાસની વાતો વચ્ચે મૃત્યુંનો મારગ પણ કપરો બન્યો, જીવના જોખમે હોડીમાં કાઢી સ્મશાન યાત્રા
Funeral in Tapi: ગુજરાતની વિકાસગાથા ગુણગાન કરવામાં સરકાર એક મોકો ચૂકતી નથી. પરંતુ ગુજરાતના વિકાસનો બીજો ચહેરો છેવાડાના ગામની પરિસ્થિતિ પણ બતાવે છે. જ્યાં માણસ જીવન જરૂરિયાતની નાની સમસ્યાઓનો સામનો કરવામાં વલખાં મારવા પડે છે. ભલે પછી તે સરહદી વિસ્તાર બનાસકાંઠાની વાત હોય કે પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આદીવાસી વિસ્તારની હોય.
આ દ્રશ્યો ગુજરાતની વિકાસગાથાનો અરીસો પૂરવાર થાય છે. મોટા શહેરોમાં મોટા મોટા મોલથી માંડીને મેટ્રો સુધીની સુવિધા પાછળ કરોડો અબજો રૂપિયાનું એંધાણ કરવામાં આવે છે. ત્યારે છેવાડાના વિસ્તારના માનવી માટે મૃત્યુંનો માર્ગ પણ કપરો બની જાય છે. આવો જ એક કિસ્સો તાપીના છેવાડે આવેલા ઉચ્છલ તાલુકાના નારણપુર ગામેથી સામે આવ્યો છે. નારણપુર ગામે જીવના જોખમે હોડીમાં સ્મશાન યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું નારણપુર ગામ છેવાડા વિસ્તારમાં આવેલું છે. અહીં ઝરાલી ફળિયામાં સ્મશાન ભૂમિ તરફ જતાં રસ્તામાં ઉકાઇ ડેમના પાણી ફરી વળ્યા છે. જેથી લોકોને નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુઓથી માંડીને સ્મશાન યાત્રા માટે પણ હાલાકી ભોગવવી પડે છે. અહીં દર વર્ષે ઉકાઇ ડેમનું પાણી ભરાઇ જાય છે.
બુધવારે અહીં એક અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. દર વર્ષે ઉકાઇ જળાશયનું પાણી ભરાતા લોકોને સ્મશાન યાત્રા દરમિયાન મુશ્કેલી પડે છે. પરંતુ આ કોઇ નવી વાત નથી પરંતુ ઝરાલી ફળિયામાં સ્મશાન ભૂમિ તરફ જતાં રસ્તામાં ઉકાઇ જળાશયનું પાણી ફરી વળતા લોકોને સ્મશાન યાત્રા માટે વર્ષોથી હાલાકી ભોગવવી પડે છે. આ દ્રશ્યો જોઇને દરેકના મનમાં વિચાર આવે છે કે આ લોકો માટે મૃત્યુંનો માર્ગ પણ સહેલો નથી.
લોકોએ અવાર-નવાર તંત્રને રજૂઆત કરી છે કે ઉકાઇ જળાશયના પાણીના લેવલથી ઊંચો પુલ બનાવવામાં આવે. પરંતુ સરકાર હોય કે પછી તંત્ર કોઇને આ ગ્રામજનોની મુશ્કેલીમાં રસ નથી.