પાટડીના વર્ણીન્દ્રધામથી ખારાઘોડા સુધીના બિસ્માર રોડના કારણે લોકોને હાલાકી
- ધારાસભ્યના કાર્યાલય સામેના રસ્તાની હાલત ખસ્તા
- નવો રોડ મંજૂર થયો છતાં તંત્ર માત્ર રિપેરીંગ કામ કરી સંતોષ માનતા લોકોમાં રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર અને જર્જરીત રસ્તાઓથી લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે પાટડી શહેરના વર્ણીન્દ્રધામથી ખારાઘોડા રોડની બિસ્માર હાલતથી વાહનચાલકો સહિત લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને આ મામલે સ્થાનીક ધારાસભ્યની ચુપકીદી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
દસાડાના મુખ્ય મથક એવા પાટડી શહેરમાં વર્ણીન્દ્રધામથી ખારાઘોડા સુધીનો રોડ બિસ્માર બની જતા ગ્રામજનો સહિતના આગેવાનોએ અનેક વખત રજૂઆતો અને ફરિયાદ કરી હતી જેના ભાગરૂપે તંત્ર દ્વારા નવો રોડ લાખોના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. આથી તંત્ર દ્વારા આ રસ્તાનું રીપેરીંગકામ હાથધરવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય રીતે અને આવેદન વગર રીપેરીંગ કરવામાં આવતા ગણતરીના દિવસોમાં જ રોડ તુટી જતા વિદ્યાર્થીઓ, વાહનચાલકો સહિતનાઓને હાલાકી પડી રહી છે. જે મામલે પાટડીના સ્થાનીક જાગૃત નાગરીક દ્વારા રોડના રીપેરીંગકામમાં ગેરરીતી અને હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સૌથી અચરજની વાત એ છે કે, લખતર વિસ્તારમાં રોડની કામગીરી બાબતે દસાડાના સ્થાનીક ભાજપના ધારાસભ્યએ હોબાળો મચાવ્યો હતો પરંતુ ખુદ ભાજપના ધારાસભ્યના કાર્યાલયની સામે જ રસ્તાની હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવા છતાં ધારાસભ્ય મૌન સેવી રહ્યાં છે. બે-બે વખત આ રોડ મંજુર થયો હોવા છતાં તંત્ર દ્વારા નવો રોડ મંજુર થયા બાદ પણ માત્ર રીપેરીંગ અને થીગડા મારી સંતોષ માનવામાં આવી રહ્યો છે ત્યારે નવો અને સારી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.