પાટડી શહેરની બજારોમાં આડેધડ વાહન પાર્કિંગથી લોકોને હાલાકી
- આડેધડ વાહન પાર્ક કરનાર સામે કાર્યવાહી કરવા માગ
- બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ખાનગી બસ અને વાહનોએે અડીંગો જમાવ્યો
સુરેન્દ્રનગર : પાટડી શહેરની બજાર સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. નિયમો વિરૂધ્ધ અને નડતરરૂપ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠવા પામી છે.
દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે સરકારી હોસ્પિટલ, કોલેજ, ખેતિવાડી બજાર ઉત્પન સમિતિ તથા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને તાલુકા પંચાયત કચેરી આવેલી છે. તથા મુખ્ય બજાર પણ પાટડીમાં આવેલી હોવાથી લોકોનો ઘસારો વધુ રહે છે. બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરાતા રસ્તો સાંકડો બની ગયો છે. મુખ્ય માર્ગો પર હોસ્પિટલો આવેલી છે. ત્યારે કોઇ અકસ્માત કે ઇમર્જન્સી સમયે એમ્બ્યુલન્સને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. વાહનોની સતત અવરજવર રહેતી હોય રાહદારીઓને રોડ ક્રોસ કરતા નાકે દમ આવી જાય છે.
રસ્તા પર આડેધડ પાર્કિંગનો પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચડે ત્યારે પોલીસ દ્વારા થોડા સમય પુરતી કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવે છે. પરંતુ પોલીસની કાર્યવાહી બાદ ફરી પાછી પરિસ્થિતિ જેસે થે તેવી થઇ જાય છે. રસ્તા પર ફરી વાહનોનો ખડકલો જોવા મળે છે. પાટડી પોલીસ મથક સામે જ આવી સ્થિતિ હોય તો પછી બજાર સહિત અન્ય સ્થળે શું સ્થિતિ હશે ? પાટડી ચાર રસ્તા પાસે આવેલ બસ સ્ટેન્ડમાં પણ ખાનગી બસ સહિતના વાહનોનો નિયમો વિરૂધ્ધ અડીંગો જોવા મળી રહ્યો છે. પાટડી ચાર રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે માત્ર એક જ માનદ્ સેવક જોવા મળે છે ત્યારે પોલીસ જવાનની પાંખી હાજરીના કારણે પણ આડેધડ પાર્કિંગ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે આથી પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.