વડોદરા શહેરના કરોડીયા પેટ્રોફિલ્સથી રિલાયન્સ જવાનો રસ્તો વારંવાર ખોદકામ કરતાં ગાયબ : લોકોમાં આક્રોશ
Vadodara : વડોદરા શહેરના કરોડિયા મુખ્ય રસ્તા પેટ્રોફિલ્સથી રિલાયન્સ જવાનો મુખ્ય રસ્તો સતત ચાર વખત ખોદી નાખવામાં આવતા રસ્તો જ ગાયબ થઈ જતા ઈમરજન્સીમાં 108 કે ફાયર બ્રિગેડ આવી શકે તેમ નહીં હોવાથી સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે. જે અંગે કોર્પોરેશનમાં તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે ત્યારે કોર્પોરેશન સ્થાનિક રહીશો પાસેથી વીરાની વસુલાત કરી રહ્યું છે જેથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે કરોળિયા રોડ પર આવેલી દર્શનમ સહિતની પાંચથી સાત સોસાયટીના લોકો અવારનવાર કોર્પોરેશન દ્વારા થતા ખોદકામને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે કરોળિયા પેટ્રોફિલથી રિલાયન્સ તરફ જવાનો મુખ્ય રસ્તો વર્ષો પહેલા કંપની દ્વારા બનાવી આપવામાં આવ્યો હતો ત્યારબાદ કોર્પોરેશનની હદમાં આ વિસ્તારનો સમાવેશ થયા બાદ પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોય કે પછી ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું હોય તેના સમારકામના બહાને કે નવી લાઈન નાખવાના બહાને સમગ્ર રસ્તો અવારનવાર ખોદી નાખ્યો છે જેથી ગંદા પાણીની ફરિયાદો પણ વધી છે એટલું જ નહીં મુખ્ય રસ્તો જ ગાયબ થઈ ગયો છે, ત્યારે સ્થાનિક રહીશો કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જાય છે તો એકબીજા વિભાગ પર જવાબદારી ઢોળી દેવામાં આવે છે. જેથી સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધા મળતી નથી રસ્તા અને ગંદા પાણીની ફરિયાદો અંગે અવારનવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ જાણ કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.